: સંસ્કૃતિ : : સાંયા તુંજ બડો ધણી ! તુજસો બડો ન કોઇ :

 

રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું ફરી ફરી ગાન થયા કરે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. અનેક સમર્થ કથાકારો આવી કથાની સાથેજ સારા વિચારો તેમજ ઉમદા મૂલ્યોની વાવણી જનસમુહના વિચારોમાં કરવા યથાશક્તિ પ્રયાસો કરતા રહે છે. વ્યક્તિગત રીતે સમાજના અનેક નાગરિકો તેમની ગ્રહણ કરવાની શક્તિ મુજબ લાભાન્વીત પણ થતા રહે છે. આ રીતે ભક્ત કવિ ઇસરદાસજીની પવિત્ર વાણીનો પ્રવાહ ‘હરિરસ’ નામના ગ્રંથના માધ્યમથી વહેતો રહેલો છે. સંત કવિની રચનાઓ તો અનેક છે. દરેક રચનાને પોતાનું અલગ ભાવવિશ્વ છે. પરંતુ હરિરસ તેમજ જગદંબાની કૃપા પામવા માટેનો ગ્રંથ ‘દેવીયાંણ’ એ વિશેષ પ્રચલિત તથા લોકાદર પામેલા મૂલ્યાવન ગ્રંથ છે. ‘હરિરસ’ તથા ‘દેવીયાંણ’ ના આવા અનેરા મૂલ્યને વિશેષ સ્પષ્ટ કરવા માટે લીંબડી રાજ્યકવિ શંકરદાનજી દેથાએ સરળ તથા અર્થપૂર્ણ પંક્તિઓ લખી છે.

વાંચો શ્રીમદ્ ભાગવત

મોટો ગ્રંથ મહાન

કે આ હરિરસ નીત પઢો

શુભ ફળદાયી સમાન.

વાંચો દુર્ગા શપ્ત સતી

યા વાંચો દેવીયાંણ

શ્રોતા – પાઠીકો પરમ

સુખપ્રદ ઉભય સમાન.

       હરિરસ કાવ્યની રચના કર્યા પછી ભક્ત કવિ ઇસરદાનજીએ આ કાવ્ય દ્વારકાધીશને અર્પણ કર્યાની માન્યતા છે. ઉપરોક્ત માન્યતા વ્યાપક રીતે સ્વીકૃત થયેલી છે. ‘‘ ગુજરાત ઇતિહાસ પરિષદ ’’ ના દ્વારકામાં યોજવામાં આવેલા છઠ્ઠા અધિવેશનમાં (૧૯૭૧) પરિષદની સ્વાગત સમિતિ તરફથી એક ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ ગ્રંથ વિદ્દવત જન શ્રી પુષ્કરભાઇ ગોકાણીએ દ્વારકા મંદિરનો સંક્ષિપ્ત ઇતિહાસ લખીને પ્રગટ કરેલો હતો. પ્રસ્તુત ગ્રંથમાં સંશોધનના આધારે નોંધાયું છે કે ઇ. સ. ૧૫૪૦ ના અરસામાં કવિ ઇસર બારોટે હરિરસ ગ્રંથ દ્વારકાનાથના મંદિરમાં સંભળાવીને શ્રીને અર્પણકર્યો. ઓખામંડળ પર લખવામાં આવેલા અન્ય ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે. અલબત્ત, ચોક્કસ સમય કાળ બાબતમાં તેમાં ભિન્ન મંતવ્ય છે જે આવા ઐતિહાસિક પ્રસંગોમાં મહદ્ અંશે જોવા મળતા હોય છે.

હરિરસનો જ્ઞાન વૈભવ પરમ પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભાગવત જોડાજોડ મૂકી શકાય તેવો છે. મહાભારતના ભીષણ સંગ્રામમાંથી જેમ ભગવતગીતાની ઉત્‍પતિ સમગ્ર માનવજાતિના કલ્‍યાણ માટે થઇ તેજ રીતે ભક્ત શિરોમણી ઇસરદાસજીના આદ્યાત્‍મ ઉન્‍નતિ પ્રવાસ પથ પર હરિરસનું નિર્માણ લોક કલ્‍યાણ માટે થયું હોય તેમ જણાય છે. પરમ તત્‍વની ઉપાસનાનું આટલું અસરકારક અને સચોટ નિરૂપણ ઇસરદાસજી જેવા મહામાનવ જ કરી શકે. આચાર્ય બદ્રીપ્રસાદ સાકરીયાએ લખેલી એ વાત નિર્વિવાદ છે કે હિન્‍દી  સાહિત્‍યમાં જે સ્‍થાન ગોસ્‍વામી તુલસીદાસ કે કૃષ્‍ણભક્ત સુરદાસનું છે તેવુંજ સ્‍થાન સૌરાષ્‍ટ્ર-સિંધ-કચ્‍છ-થરપારકરના સાહિત્‍યમાં ઇસરદાસજીનું છે. ‘ઇસરા પરમેસરા’ તરીકેની તેમની ઓળખ તેમણે સર કરેલા અદ્યાત્‍મના ઉચ્‍ચ  શીખરોને કારણેજ પ્રસ્‍થાપિત થયેલી છે. મહાત્‍મા ઇસરદાસજીએ હરિરસ ઉપરાંત વિપુલ સાહિત્‍યનું સર્જન તેમના જીવનકાળ દરમ્‍યાન કર્યું. તેમનું સાહિત્‍ય ગુજરાત તથા રાજસ્‍થાનની સહિયારી સંપત્તિ છે. હરિરસ ઉપરાંત માતૃ ઉપાસનાનો અમૂલ્‍ય  ગ્રંથ ‘દેવીયાણ’ આજે પણ પ્રચલિત છે અને વ્‍યક્તિગત તથા સામૂહિક પ્રાર્થનામાં તેનો બહોળો ઉપયોગ થાય છે. મધ્‍યકાલિન યુગમાં જ્ઞાન, વૈરાગ્‍ય અને સંસ્‍કારના ફેલાવા માટે વિવિધ પ્રદેશોમાં થયેલા સંત-ભક્તોએ ખૂબજ મહત્‍વનો ફાળો આપ્‍યો છે. લોકો સમજી શકે તેવી સરળ ભાષા અને શૈલીમાં તેમણે સચોટ ઉદાહરણો સાથે વેદો અને ઉપનિષદોમાં પ્રબોધેલું જ્ઞાન લોકો સુધી પહોચતું કર્યું. મેઘાણીભાઇના મત મુજબ આપણાં આ સંતકવિઓ, ભક્તકવિઓએ શ્લોક તથા લોક વચ્‍ચેનું અસરકારક અનુસંધાન કરેલું છે. રામાયણ કે મહાભારત જેવા આપણા મૂલ્‍યવાન ગ્રંથોમાં ગ્રંથસ્‍થ થયેલી વાતો તેમજ તેનું વિચારતત્‍વ આપણાં સંતકવિઓના માધ્‍યમને કારણેજ મુખ્‍યત્‍વે   લોક સુધી પહોચ્‍યું. આ બધા ભક્તકવિઓએ સંસારમાં રહીને તથા લોકો વચ્‍ચે ઉજળા જીવન જીવીને સહજ રીતે તથા સરળ ભાષામાં જ્ઞાનનો પ્રવાહ લોક સુધી પહોંચાડ્યો. સંતકવિઓનું સમાજને આ સૌથી મોટું તથા મહત્‍વનું પ્રદાન છે. આવા લોકકવિઓને મેઘાણીભાઇ ‘‘પચેલા આત્‍મજ્ઞાનના ઓડકાર ખાનારા’’ કહેતા તે ખૂબ યથાર્થ છે. ઇસરદાસ હોય કે સુરદાસ હોય – તેમની શબદવાણી ગંગાના પ્રવાહ જેવી નિર્મળ તથા પાવક છે.

બેડો હરિરસ બારટે, ઊભો કીધો આણ,

ઇશર જણ જણ આગળે, જગ વેતરણી જાણ.

      લોકોનો વ્‍યાપક પ્રતિસાદ આ સાહિત્‍યને મળ્યો. ભક્તિ માર્ગને વેગ આપવામાં આ સંતોનો ફાળો ખૂબ મહત્‍વનો બની રહ્યો. મહાત્‍મા ઇસરદાસજીએ પણ ભક્તિ અને સમર્પણના નવા ચીલા પાડ્યા અને અમર સાહિત્‍યનું સર્જન કર્યું. જ્ઞાન અને ભક્તિના આ પ્રવાહમાં કોઇ જાતિ કે વર્ણનો ભેદ ન હતો. કોઇ ચોક્કસ વિધિ-વિધાન કે બાહ્ય ક્રિયાકાંડનું પણ તેમાં વિશેષ મહત્‍વ ન હતું. નામ સ્‍મરણનો મહિમા અને પરમ તત્‍વ તરફની ગતિ એજ તેની ચાવીરૂપ બાબત હતી. મહાત્‍મા ઇસરદાસજીનું યોગદાન આ કાળના સાહિત્‍યમાં પ્રકાશપુંજ સમાજ છે. તેમની અનેક સુપ્રસિધ્ધ કૃતિઓમાં હરિરસ, દેવીંયાણ, નિંદાસ્‍તુતિ તથા હાલાઝાલારા કુંડળીયાનો સમાવેશ થાય છે.

હરિરસની કેટલીક પ્રચલિત પંક્તિઓનું ફરી ફરી પઠન કરવું ગમે તેવું છે.

રસણાં રટે તો રામ રટ,

વેણાં રામ વિચાર,

શ્રવણ રામ ગુણ સાંભળે,

નેણાં રામ નિહાર.

જો જીભે કોઇનું નામ રટવું હોય તો એ રામનુંજ હોય. કોઇના ગુણનું સ્‍મરણ કરવું હોય તો એ કરૂણા નિધાન રામના ગુણજ હોઇ શકે. રામ તથા રામાયણના મૂળ તત્‍વો સમાજની મજબૂત આધારશીલા જેવા છે તથા સ્‍થાયી છે. આથી ભક્તકવિને લાગે છે કે આ એકજ નામનું અવલંબન પૂરતું છે.

સમર સમર તુ શ્રી હરિ,

આળસ મત કર અજાણ,

જિણ પાણીશું પિંડ રચી,

પવન વળું ધ્‍યો પ્રાણ.

પંચમહાભૂતનું માનવ શરીર જેનું સર્જન છે તે સર્જનહારેજ પવનને પ્રાણ સ્‍વરૂપે રોકીને કેવી મોટી સૃષ્‍ટિનું સર્જન કર્યું છે !

સાંયા તુંજ બડો ધણી,

તૂંજસો બડો ન કોય,

તૂં જેના શિર હથ્‍થ દે,

સોં જુગમેં બડ હોય.

જગતની બધી ગતિવિધિઓ સર્વ શક્તિમાન પરમેશ્વરને આધિન છે. તેનાથી વડેરો કોણ હોય ? જેને સમાજ વડેરા કહીને માન આપે તેના પર ઇશ્વરકૃપા હોય તોજ તેમ બને છે. આથી ગોસ્‍વામી તુલસીદાસજી પણ આ પરમશક્તિનું સ્‍વરૂપ એ પ્રકારેજ વર્ણવે છે.

જો ચેતન કહ જડ કરઇ,

જડહિ કરન ચૈતન્‍ય,

અસ સમર્થ રઘુનાથ કહિ,

ભજહિ જીવ તે ધન્‍ય.

આઠે પહર આનંદ શું જપ જિહવા જગદીશ,

કેશવ કૃષ્‍ણ કલ્‍યાણ કહી, અખિલનાથ કહી ઇશ.

સતત તથા અવિરત નામ સ્‍મરણનો મહિમા શાસ્‍ત્રોએ પ્રબોધ્‍યો છે અને ભક્તકવિઓએ તેનેજ રેલાવ્‍યો છે. નામ ગમે તે હોય પરંતુ તત્‍વ તથા સત્‍વ તો એકજ છે. નામ સ્‍મરણ એજ સંપદા છે તેમજ નામ વિસ્મૃતિ એ વિપદા છે તેમ વિદ્વાનો કહે છે.

જનાબ નાઝિર દેખૈયાનો એક સુંદર શેર છે.

તમારાથી વધુ અહિયાં

તમારું નામ ચાલે છે

અને એ નામથી મારું

બધુંયે કામ ચાલે છે.

હરિરસનું આચમન – શ્રવણ – પઠન જેમણે પણ કર્યું છે તેમને દિન-પ્રતિદિન તેનું અગાધ જ્ઞાન પ્રાપ્‍ત થયેલું છે. માંડણભક્તે કહેલા શબ્‍દો ખૂબ યથાર્થ લાગે.

ઇશાણંદ ઊગા,

ચંદણ ઘર ચારણ તણે,

પૃથવી જસ પૂગા,

સૌરભ રૂપે સુરાઉત.

ઇસર બડા ઓલિયા,

ઇશર બાત અગાધ,

સુરા તણો કીધો સુધા,

પસરો મહાપ્રસાદ.

લીંબડી રાજ્યકવિ તથા વિદ્વતાના શિખર સમાન કવિરાજ શંકરદાનજી દેથાના આપણે ઋણી છીએ કે તેમણે લગભગ નવ દાયકા પહેલાં હરિરસનું સંપાદન ટાંચા સાધનો હોવા છતાં ઉત્તમ પ્રકારે કર્યું. ભાવનગરના વિચક્ષણ દિવાન તથા સૂર્ય-સમાન યશ અને કીર્તિ પ્રાપ્‍ત કરનાર સર પ્રભાશંકર પટ્ટણીએ તે સમયે હરિરસ માટે અમૂલ્‍ય શબ્‍દચિત્ર આલેખ્‍યું છે.

‘‘ જેઓ કવિનું દર્શન કેવું હોય તે જાણે છે તેઓ ઇસરદાસજીના દર્શનમાં માનશેજ. ઇસરદાસજીનું મુખ્‍ય લક્ષણ તેમની શ્રધ્‍ધા છે. શ્રધ્‍ધાથીજ તેઓ આટલું મોટું પદ મેળવી શકેલા. શ્રધ્‍ધાને એક વિદ્વાને અંત:કરણની આંખ કહી છે. જે વાત બુધ્‍ધિ ન સમજી શકે તે વાત હ્રદય તરત સમજે છે. તેનું કારણ હ્રદયમાં રહેલ શ્રધ્‍ધા છે. એ શ્રધ્‍ધા જેનામાં હોય તેઓ સર્વ ઇસરદાસજીને વધારે સારી રીતે સમજી શકશે….. શ્રધ્‍ધાથી આ પુસ્‍તક (હરિરસ) વાંચનારને નવી દ્રષ્‍ટિ, નવું બળ તથા નવું ચેતન મળ્યા વિના રહેશે નહિ. (ડીસેમ્‍બર-૧૯૨૮)

પૂજ્ય આઇ શ્રી સોનબાઇ મા ને ભક્તકવિઓના સાહિત્ય તરફ એક વિશિષ્ટ લગાવ હતો. ‘‘ચારણ’’ દ્વિમાસિકમાં એપ્રિલ-૧૯૫૫ના અંકમાં માતાજીના હરિરસ ગ્રંથ માટેના ઉદ્દગારો નોંધવામાં આવેલા છે. માતાજી લખે છે : (બધા સંત સાહિત્યમાં) ‘‘ ઇસરદાસજીની ભાત નોખી છે. ભક્તિ મહાસાગરના બહોળા પાણી એમણે નાનકડી ગાગરમાં ભર્યા છે. એમનું તત્વજ્ઞાન ભક્તિના રંગમાં રંગાયેલું છે. હરિરસ ભાગવતનું તત્વ છે અને સાચું રસાયણ છે. હરિરસને પચાવવાથી જન્મ-મરણના ફેરા ટળે છે. ’’  હરિરસ – દેવીયાંણ જેવા ગ્રંથો આપણાં સંત સાહિત્યના ભવ્ય તથા ઉદ્દાત શિખર સમાન છે.

Featured post

: સંસ્કૃતિ : : કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ : : કવિ મીનપિયાસીની મધુર સ્મૃતિ :

 

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

કોયલ કૂંજે કૂ કૂ કૂ

ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં

ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં ને

છછુંદરોનું છું છું છું

કૂજનમાં શી ક્કકાવારી ?

હું કુદરતને પૂછું છું :

ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો

માનવ ઘૂરકે હું હું હું !

પરમેશ્વર તો પહેલું પૂછશે :

કોઇનું સુખદુ:ખ પૂછ્યું તું ?

દર્દભરી દુનિયામાં જઇને

કોઇનું આંસુ લૂછ્યું તું ?

ગેં ગેં ફેં ફેં કરતા કહેશો :

હેં હેં હેં હેં ! શું શું શું ?

આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ.

 

સાહિત્ય જગતમાં આપણો સામાન્ય તથા સાર્વત્રિક અનુભવ છે કે કેટલીક કૃતિઓ અમર થવા સર્જાયેલી હોય છે. કાળના કપરા પ્રવાહમાં આવી રચનાઓ ઝાંખી પાંખી થતી નથી. કવિ હરિહર ભટ્ટની ‘‘ એકજ દે ચીનગારી ’’ ની કોઇ ઓળખ આપવી પડે ખરી ? ‘‘ મંગલ મંદિર ખોલો દયામય ! ’’ કવિ નરસિંહરાવ દીવેટીયાની આ રચના કદી પણ વિસ્મૃત થાય ખરી ? આવીજ ઉપરની કવિ મીનપિયાસીની આ રચના અનેક સ્થળો અને પ્રસંગોએ બોલાતી રહે છે. જ્યારે અને જ્યાં આ કૃતિની પ્રસ્તુતિ થાય ત્યાં ભાવકોના મન પર એ કબજો જમાવે છે. અનેક સુંદર સર્જનોના કવિ જાણે કે આ એક રચના થકી જીવંત અને ઝીલાતા રહ્યા છે. સુંદર તથા આકર્ષક બાળકાવ્ય જેવી લાગતી આ રચના મોટો તથા અર્થસભર સંદેશ આપીને વિરમે છે. ફણીધરોની જેમ ફૂલ મારતા કાળા માથાના માનવીઓ તેમની આસપાસના ભાંડુઓની તકલીફો – વ્યથા તરફ જાગૃત જાગૃત અને સંવેદનશીલ છે ખરા ? જીવનમાં કોઇ સુકાર્ય ન થઇ શક્યું હોય તો કયામતના દિવસે ફક્ત હેં હેં હેં હેં ! શું શું શું ? કહીને ભોંઠા પડવા જેવું થશે. આ સંદર્ભમાં કવિ શ્રી ત્રાપજકરે લખ્યું છે તે પણ યાદ આવે   છે :

 

સુકાણા હાડ પાડોશીના

બાળને મોંઢે તું

મુઠીચણ નાખતો જાજે રે..

મળ્યું છે તો આપતો જાજે રે..

 

વર્ષ ૨૦૦૦ ના માર્ચ મહીનામાં કવિ મીનપિયાસીએ ચિર વિદાય લીધી. કવિ સદેહે આપણી વચ્ચે ભલે નથી પરંતુ તેઓએ જે ભાતીગળ શબ્દ સાથીયા પૂર્યા છે તેના કારણે સદાકાળજીવંત તથા ધબકતા રહેવાના છે. કવિની સ્મૃતિ ફરી એક વખત ઓલ ઇન્ડીયા રેડીયો (અમદાવાદ કેન્દ્ર)ના એક સાહિત્ય વિષયક વાર્તાલાપના કાર્યક્રમમાં થઇ. કવિનું નામ દિનકરભાઇ. તેઓ પિતા કેશવલાલ તથા માતા મુક્તાબેનનું સંતાન. કવિનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા ગામ. કવિને વૈદકીય વ્યવસાય વારસામાં મળ્યો હતો. તેમના પિતા જાણીતા વૈદ્ય હતા. ગુજરાતના પ્રમાણમાં ઓછા જાણીતા એવા ખૂણે ખીલેલું આ પલાશનું ફૂલ મહોરી ઉઠ્યું અને તેના કાવ્યવૈભવે અનેક સાહિત્યરસીકોનું ધ્યાન ખેંચ્યું.

 

ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લો) આમ તો સૂકો પ્રદેશ. જિલ્લાનો કેટલોક ભાગ કચ્છના નાના રણને અડીને આવેલો પ્રદેશ આવળ – બાવળ – કેર – બોરડીના આ મુલકને ઝાલાવાડના પનોતા પુત્ર કવિ તથા વૈદ્ય પ્રજારામ રાવળે બીરદાવતા લખ્યું છે :

 

આવળ બાવળ કેર બોરડી

સૂષ્ક રુક્ષ ચો ફરતી

આ ઝાલાવાડી ધરતી

અહીં ફૂલ કેવળ આવળના

અહીં નીર અધિકા મૃગજળના

પત્ર પુષ્પ પાણી વિણ કાયા

ઘોર ઉનાળે બળતી..

આ ઝાલાવાડી ધરતી.

 

કવિ મીનપિયાસીએ ઝાલાવાડની ઐતિહાસિક ભૂમિના ગૌરવમાં વૃધ્ધિ કરી છે. આધુનિક ગુજરાતી સાહિત્યના દિશાદર્શક કવિવર દલપતરામની પણ ઝાલાવાડ જન્મભૂમિ છે. આ ધરતીની સપાટી પર પાણી ખૂટે તો પણ ભૂતળમાં તો વહેતું જ હોય તેવી શ્રી દિલીપ રાણપુરાની વાત સાંભળવા અને સમજવા જેવી છે.

 

કવિ મીનપિયાસીને ખગોળદર્શન તથા પંખી દર્શનનો શોખ ઘણો. પંખીઓનું નિરીક્ષણ તેઓ સચોટ રીતે કરતા અને રૂપાળી સૃષ્ટિની ખૂબીઓ નોંધતા રહેતા હતા. રાજ્યના માહિતી વિભાગમાં જ્યારે કામ કરવાનું થયું ત્યારે કવિનું ‘પંખીમેળો’ પુસ્તક જોયું. કવિનું આ બાબતનું યોગદાન પણ ઉલ્લેખનીય છે. એજ રીતે આકાશદર્શન પણ કવિને ગમતો વિષય હતો. ‘ખગોળની ખૂબીઓ’ એ કવિની જાણીતી કૃતિ છે. કવિ હમેશા પ્રકૃતિની સુંદરતામાં જીવ્યા. પ્રકૃતિનો નિર્ભેળ આનંદ તેમણે આકંઠ માણ્યો. આથી કવિની વિવિધ રચનાઓમાં પ્રકૃતિ કાવ્યોની વિપુલતા છે. પ્રકૃતિનું સતત સૌંદર્યદર્શન કવિની વાણીમાં ઘૂંટાયું છે. કવિની જીવન તરફની સંવાદિતાનું મૂળ આ પ્રકૃતિવૈભવના દર્શનમાં રહેલું હોય તેમ લાગ્યા કરે છે. પ્રકૃતિ સાથેજ વહાલી જન્મભૂમિ ઝાલાવાડ તરફ કવિનો અદકેરો સ્નેહ કાવ્યધારા સ્વરૂપે પ્રગટીને ચોતરફ ફેલાયો છે.

 

ઝૂલ, ઝાલાવડ ઝૂલ !

વૈશાખમાં છો વરવો

તો યે અષાઢમાં અણમૂલ

હરિની હોય હથેળી

એવી ભોંયમાં ગરવા ગુલ

ડગલે ડગલે દેખીએ

એવા ગામડા હળવા ફૂલ

ખોળલો મીઠો ખૂંદતા છૈયાં

ધીંગી ઉડાડે ધૂળ..

ઝૂલ, ઝાલાવડ ઝૂલ !

 

કવિ ઝાલાવાડની ધરતીનું સંતાન છે. આથી ઝાલાવાડના સમગ્ર પ્રકૃતિ વિશ્વને કવિએ ઝીલ્યું છે.

રે, બાવળ બહુમૂલ !

કોઇની નજરે ફૂલ ચડે ના,

સહુ દેખે કાં શૂળ !

રે બાવળ બહુમૂલ !

 

બાવળની વાત કરે તો આ ધરતીનો કવિ આવળની વાત કર્યા સિવાય કેવી રીતે રહી શકે ?

 

લીલા મખમલિયા આવળને પાંદડે

પીળા પીળા ફૂલ જાય ઝોલે રે લોલ

આવી અડપલું કરતો જ્યાં વાયરો

હસી હસી મીઠડું ડોલે રે લોલ

હાલોને જાયેં સોનુ રે વીણવા

વગડે છાબું વેરી રે લોલ.

 

કવિ શ્રી રમેશ આચાર્યે મીનપિયાસીની એક રચનાનેજ ધ્યાનમાં રાખી કવિનું વ્યક્તિત્વ દર્શન સુપેરે કરાવ્યું છે :

 

મીન પિયાસી એટલે

ઝૂલતો ઝાલાવાડ

વૈશાખમાં વરવો તોયે

અષાઢમાં અણમૂલ.

 

ગુજરાતી કાવ્યગીરામાં કવિ મીનપિયાસીની રચનાઓ સદાયે લીલીછમ રહેવા સર્જાયેલી છે.

 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૪/૦૭/૨૦૧૭.

: સંસ્કૃતિ : : સર્વોદય વિચારના નભોમંડળનો તેજસ્વી સિતારો : : દાદા ધર્માધિકારી :

Dada Dharmadhikari.jpg

મહારાષ્ટ્રના સંત તુકડોજી મહારાજ દાદા ધર્માધિકારી વિશે ભારપૂર્વક કહેતા હતા : ‘‘ મેં મારા જીવનમાં ઘણાં બધા સંત-મહંતો જોયા છે. પરંતુ અમને સહુને શરમાવે તેવા સહજતાના ધણી તો એક દાદા જ છે. ’’ તુકડોજી મહારાજનું આ અવલોકન સંતત્વ – સજ્જનતાના બાહ્ય પરિવેશ સાથેના નાના સરખા પણ અનુસંધાનનો મૂળમાંથી વિચ્છેદ કરે છે. આપણાં વિદુષિ વિમલાતાઇ દાદા વિશે વાત કરતા કહે છે કે દાદા એક ગ્રહસ્થ હતા પરંતુ સન્યાસીઓને પણ શરમાવે તેવો તેમનો વૈરાગ્ય હતો. દાદાના સ્વભાવ સાથે લોહીની જેમ વણાયેલી વત્સલતાનો પણ વિમલાતાઇ ઉલ્લેખ કરે છે. માનવજીવનના ઉચ્ચતમ મૂલ્યોનું દર્શન દાદાના જીવન તથા કર્મોમાં થાય છે. અજાતશત્રુ જેવા તેમના વ્યક્તિત્વના મોહે અનેક લોકો દાદા તરફ ખેંચાતા રહ્યા હતા. દાદા આ લોકને છોડીને ૧૯૮૫ માં અંતિમ પ્રયાણ કરી ગયા. દાદાના જવાથી ગાંધી વિચારની એક મહત્વની અને કદાચ અંતિમ કડી ઉખડી ગઇ તેવું તારા ભાગવતનું વિધાન યથાર્થ લાગે છે. દાદાની પાવક સ્નેહગાથા ‘‘ભૂમિપુત્ર’’ થકી અનેક લોકોને ભગવત્ પ્રસાદની જેમ પહોંચી શકી. જૂન માસમાં સર્વોદયના અનેક વિચારકો –ભાવકોને દાદાની વિશેષ સ્મૃતિ થાય છે. દાદા ધર્માધિકારીનો જન્મ ૧૮૯૯ના જૂન માસની અઢારમી તારીખે થયો હતો.

      ૧૯૫૧ માં આ દેશમાં આઝાદી પછીની એક બીજી મહત્વની અને ઐતિહાસિક ઘટના બની. આ વર્ષમાંજ વિનોબાજીએ ભૂદાનયજ્ઞનો આરંભ કર્યો. છેવાડાના માનવી સુધી સમૃધ્ધિનો એક નાનો એવો અંશ પહોંચાડવાનો આ ભગીરથ પ્રયાસ હતો. ગાંધી વિચારને ભૂમિગત કરવાની આ વિનોબાજીની દુર્લભ દ્રષ્ટિ હતી. દેશ તો આઝાદ થયો પરંતુ તેનાથી વ્યવસ્થા પણ બદલી છે તેવું કોઇ ખાતરીપૂર્વક કહી શકે તેમ ન હતું. આથી જો દેશની સ્વાધિનતા સાથેજ શાસકીય તથા સામાજિક વ્યવસ્થાનો સામાન્ય નાગરિકના હિતમાં બદલાવ ન થાય તો આઝાદ દેશના ફળ સ્વરૂપ લાભ જન જન સુધી પહોંચી શકે નહિ. આવા પરિવર્તન માટે સરકાર સામે જોઇને બેસી રહેવાનું વિનોબાજી જેવા વિચારશીલ કર્મવીરને પાલવે નહિ. આથી વંચિતોના લાભ માટે અને સામાજિક બદલાવને વાસ્તવિકતા આપવા માટે બાબાએ ભૂદાન ચળવળ શરૂ કરી. કવિ કાગે લખ્યું :

અલેકીઓ માંગવા આવ્યો રે

આ તો દેશ દખ્ખણનો બાવો.

દેશ દખ્ખણનો બાવો, કોઇ

દેખ્યો નથી આવો… અલેકીઓ…

વિશ્વના સામાજિક રાજકીય ઇતિહાસમાં બાબનો આ પ્રયાસ અજોડ તથા (છેવાડાના માનવીઓને) ઉપકારક નીવડ્યો છે.

      ભૂદાનયજ્ઞમાં વિનોબાજીને દાદા તરફથી ઘણો મજબૂત સહયોગ પ્રાપ્ત થયો હતો. ભૂદાનયજ્ઞની પ્રવૃત્તિ પૂરજોશથી ચાલતી હતી તે સમયના વિનોબાજી તથા દાદા વચ્ચેના કેટલાક સંવાદ ફરી ફરી વાંચવા – સાંભળવા ગમે તેવા છે. વિનોબાજી આ સમયમાં એક વાર સખત બીમાર પડી ગયા. સર્વોદયના સૌ કાર્યકર્તાઓ વિનોબાજીની તબીયત અંગે ચિંતિત રહેતા હતા. આ સમયે એક સમયે દાદા વિનોબાજીની નાદુરસ્ત તબીયતના સમાચાર સાંભળી તેમને મળવા ગયા. વિનોબાજી સાથે ભૂદાનયજ્ઞ કાર્યની પ્રગતિ વિશે વાત કરતા દાદા વિનોબાજીને કહે છે : ‘‘ તમે કામની ચિંતા છોડી દો. અમારું ગજુ શું છે તે હું જાણું છું. પરંતુ ભૂમિદાન યજ્ઞનો ઘોડો તમે છો તો એ ન ભૂલતા કે હું આ યજ્ઞનો ગધેડો છું ! ’’ દાદાની વિનોદવૃત્તિ જાણનારા અને આ સંવાદ સાંભળનારા સૌ ખડખડાટ હસી પડ્યા. દાદા કહે છે આવું કહીને મારી પાસે જે કંઇ છે તે સર્વસ્વનું સમર્પણ ભૂદાનયજ્ઞ માટે કરવાની મારી તૈયારી હતી. વિનોબાજી પણ પોતાના ભૂમિદાન યજ્ઞના કાર્યને પ્રજાસૂય યજ્ઞ તરીકે ઓળખાવીને તેનું ગૌરવ પ્રસ્થાપિત કરતા હતા. અનેક દેશવાસીઓને વિનોબાજી ભૂમિ માગનારા પૌરાણિક કથાના વામનના અવતાર સમાન લાગતા હતા. ભૂદાનયજ્ઞનો અથાક પરિશ્રમ કરીને કૃશ કાય થઇ જનારા વિનોબાજીને એક વખત દાદાએ કહ્યું : ‘‘ લોકો તમને વામનની ઉપમા આપે છે પરંતુ મને તમારી પ્રક્રિયામાં વામન તથા દધીચીનું મિશ્રણ જોવા મળે છે. ’’ વિનોબાજીએ હળવાશથી જવાબ આપતા દાદાને કહ્યું : ‘‘હા, દહીં ખાઇ રહ્યો છું એટલે દધીચી કહી શકો છો.’’ બન્ને મહાનુભાવો વચ્ચેની આવી વિનોદી ગપસા હમેશા ચાલતી રહેતી હતી. ગાંધીના ગોવાળો કદી વિચારનો બોજ વહન કરી ભારેખમ તથા શુષ્ક થઇ જનારા ન હતા.

      જે સ્થિતિનું વર્ણન દાદાએ પોતાના શૈશવકાળના સંદર્ભમાં કર્યું છે તે રસપ્રદ છે. મજબૂત કુટુંબ વ્યવસ્થાના કારણે બાળકને કેટલાક સંસ્કાર તેમજ જીવન ઘડતરની પ્રેરણા તો કુટુંબમાંથીજ મળી રહેતી હતી. દાદાના મા સરસ્વતીબાઇ હતા તો નિરક્ષર પરંતુ સ્વપ્રયાસના બળે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને નિત્ય પહોરે ગીતાપાઠ – અભંગ તથા સ્ત્રોત્રનો મુખપાઠ સ્પષ્ટ શબ્દોમાં કડકડાટ કરતા હતા. આ સંસ્કાર સીધાજ બાળકો સહજપણે ઝીલતા હતા. દાદા કહે છે કે ઘરમાં બીજી બે સંસ્થાઓ એટલે અખાડો તથા ગણેશનું મંદિર. દાદાના પિતાજી કુસ્તી ખેલવામાં માહેર હતા. આથી શારીરિક ઘડતર પણ માનસિક ઘડતરની સાથેજ અનિવાર્ય રીતે થતું હતું. ઉપરાંત ગામમાં કથાકાર જેમને પુરાણિક કહેવામાં આવતાં તેમનું પણ એક સ્થાન હતું. કથાઓ હિન્દી મિશ્રીત મરાઠીમાં થતી. આ એક લોકશિક્ષણનું સુગમ તથા મનોરંજનયુક્ત સાધન હતું. બાળકોની જ્ઞાન પિપાસા પણ તેના વડે સંતોષાતી હતી. આમ જોઇએ તો આવી એક અવૈધિક છતાં સુચારું વ્યવસ્થા હિન્દુસ્તાનનાં લગભગ તમામ પ્રદેશોમાં એક અથવા બીજા સ્વરૂપે કે નામથી ચાલતી હતી. આ વ્યવસ્થા બાળકોના વિકાસ માટે અસરકારક તથા પૂરક બનતી હતી.

દાદા વિશે એ બાબત ખાસ નોંધવામાં આવી છે કે તેઓ હમેશા કહેતા કે ‘‘ મને તો દુનિયાના બધા માણસો મારા કરતા શ્રેષ્ઠ દેખાય છે. ’’ આ વિધાનમાં પણ એક યોગીની, એક સાધકની નમ્રતાના દર્શન પણ થાય છે.

: સંસ્કૃતિ : : જોતાં રે જોતાં જડિયા : સાચા સાગરના મોતી :

mukund parasharya.jpg

હોવું એ આપણું સત્વ,

કહેવું લોકની રુચિ

અંત: શુધ્ધિ સ્વયં સાધી

શ્રેયાર્થે કરવી ગતિ.

      મે મહિનાની ૧૯મી તારીખ દરેક વર્ષની જેમ હમણાંજ પસાર થઇ ગઇ. ઉપરની પંક્તિઓ લખનાર કવિ મુકુન્દરાય પારાશર્ય (ભાવનગર) આ તારીખેજ ૧૯૮૫ના વર્ષમાં આપણી વચ્ચેથી ગયા. તેમણે લખ્યું છે તેજ રીતે પ્રસિધ્ધિની કોઇપણ પ્રકારની એષણા સિવાય તળિયે રહીને જીવવા છતાં જીવનભર તેમની ગતિ શ્રેયાર્થે રહી. માનવીનું જીવન તડકા છાંયાના આવરણોથી મઢાયેલું છે. સારા અને ક્યારેક નબળા વિચાર પણ આપણી પ્રકૃતિનોજ એક ભાગ છે. દરેક માનવીના મનોજગતમાં યુધિષ્ઠિર સાથે દુર્યોધન પણ પ્રસ્થાપિત થયા છે. વિટંબણા કે કટોકટીની ક્ષણે માનવીના જીવનમાંથી પ્રગટ થતાં પ્રત્યાઘાતથી તે વ્યક્તિનું સામાજિક મૂલ્યાંકન થાય છે. જીવનના માર્ગે જતાં પ્રેયના બદલે શ્રેયનો માર્ગ અપનાવવાનો નચિકેતા જેવો સંકલ્પ જે તે વ્યક્તિને મળેલા સંસ્કાર તથા ઇશ્વરકૃપાને આધિન છે. ઉત્તમ વિચારોના પોષણથી ઉછરેલો વ્યક્તિ શ્રેયનો શ્રેષ્ઠ માર્ગ સામાન્ય રીતે ચૂકી જતો નથી. આપણી ભાષાના સમર્થ સર્જક મુકુન્દરાય પારાશર્યનું જીવન ઘડતર આવા ઉજળા સંસ્કારોથી થયું છે. કવિના મોટીબાએ કહેલી વાતો તેમના જીવનનું ઘડતર કરવામાં ઉપયોગી થયું છે. પરંતુ સર્જક પારાશર્યે ત્યારબાદ સમાજજીવનને પોષક – પ્રેરક અને માર્ગદર્શક બની રહે તેવી ‘‘સત્યકથાઓ’’ લખીને સમાજ પર ઉતારી ન શકાય તેવું ઋણ ચડાવ્યું છે. વિશ્વ સાહિત્યના ફલક પર મૂકી શકાય તેવી ‘‘સત્યકથાઓ’’ સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી તેજોમય રહેશે તે નિર્વિવાદ છે. ‘‘સત્યકથાઓ’’ વાંચતા ભાવક માનવજીવનના સર્વોચ્ચ શિખરોની યાત્રા કરતો હોય તેવી અનુભૂતિ થાય છે. શ્રી વાડીલાલ ડગલીએ નોંધ કરી છે : ‘‘ગુજરાતીમાં આવું ગદ્ય વાંચી મનમાં ગૌરવ થયું કે મારી ભાષામાં પારાશર્ય જેવા કસબી છે.’’ સમાજ જીવનના તેમજ વ્યક્તિગત જીવનના સુકોમળ ભાવચિત્રો સ્વસ્થ, સ્નેહાળ તેમજ પરગજુ જીવન પધ્ધતિનું આબેહૂબ દર્શન કરાવે છે.

      મુકુન્દભાઇ માટે જેમણે લખ્યું છે તે બધી વાતો – સ્વાનુભવો એ દરેક કથન અલગ દસ્તાવેજ સમાન છે. દરેક વાત ફરી ફરી વાગોળવી ગમે તેવી છે. આમ છતાં આપણાં સાંપ્રત કાળના વિદુષિ અને મુકુન્દભાઇના બહેન દક્ષાબેને લખેલી કેટલીક સ્મૃતિઓ હૈયામાં કોતરાઇ જાય તેવી મજબૂત અને અર્થસભર છે. દક્ષાબહેન લખે છે : ‘‘ ભાઇની બાળક જેવી મસ્તી જીવનના અંત સુધી જળવાઇ રહી. ફળિયામાં ઝાડ પરથી કોયલનો અવાજ સંભળાય તો બરાબર તેના જેવોજ અવાજ કાઢે ! કોયલ સાથે જુગલબંધી જમાવે. મોરને તો હાથમાં દાણાં લઇને    ચણાવે. ’’ પરંતુ આવા આપણાં મસ્તીસભર ‘‘ભાઇ’’ દેશ કે દુનિયાના કોઇપણ માઠા સમાચારથી ઉદાસ થઇ જાય. જગત તરફ જોવાની અને જગતનો અનુભવ કરવાની કેવી મંગળમય વ્રત્તિ ! સંધ્યાકાળે એકલા વૃક્ષ નીચે બેસીને અંતરના ભાવથી ગણગણે :

હે કૃષ્ણ, હે માધવ, હે સખેતિ

ગોવિંદ દામોદર માધવેતિ.

      જેમના સર્જનોમાં હમેશા ઊંચા તથા કલ્યાણમય વિચારોના તત્વનું પ્રાધાન્ય રહ્યું છે તે આપણાં આ સર્જક ગીત કવિ તરીકે પણ ભારે ખીલ્યાં છે.

બાઇ, મારા આંબાને

સ્વપ્નું આવ્યું કે મ્હોરમા

ફાલી પડ્યો રે લોલ !

બાઇ, મારા આંબાને

આભ પડ્યું નાનું કે

દોરમાં ઝૂકી ઢળ્યો રે લોલ !

માત્ર કર્મની કેડીએ એકનિષ્ઠાથી ડગ માંડવાના સંસ્કાર આ ભાવનગરી કવિને વિચક્ષણ દિવાન સર પ્રભાશંકર પટ્ટણીના જીવનમાંથી મળ્યા હોય તે બનવા જોગ છે. સંસારમાં રહીને, સાંસારીક જવાબદારીઓ નિભાવીને પુષ્પની જેમ સતત સંસ્કારની સુગંધ પ્રસરાવતા આ નખશીખ સૌજન્યશીલ અને સૌમ્ય સર્જકને ગુજરાતીઓ કદી વિસરી શકશે નહીં. એમની ભાતીગળ સ્મૃતિ એમના સર્જનો થકી રંગ રેલાવતી રહેશે. મકરંદી ગુલાલ એમણે રેલાવી જાણ્યો છે

અમે તો જઇશું અહીંથી પણ આ

અમે ઉડાડયો ગુલાલ રહેશે.

       ‘ સત્યં પરમ્ ધીમહિ ’નો મંત્ર જીવી જનાર આ સર્જક સત્યકથાઓ લખીને સમાજ પર પોતાનું રૂણ ચડાવીને ગયા છે. તેઓએ માત્ર સત્યકથાઓ લખી હોત તો પણ અમરત્વને વર્યા હોત એ નિર્વિવાદ છે. સત્યકથાઓ લોકો સુધી પહોંચી શકે તે માટે ‘ કુમાર ’ સામયિક તથા તેના તંત્રીશ્રી બચુભાઇ રાવતે ભજવેલો ભાગ સરાહનિય છે. સારા સામયિકો સત્વવાળું વાચન સમાજ સુધી પહોંચાડીને ઘણી મોટી સેવા કરતા હોય છે. આ વાતની પ્રતિતિ કદાચ આપણને થતી નથી પરંતુ આવી સેવાનું મૂલ્ય ઘણું છે. આ બાબતના ઉદાહરણ તરીકે કહેવું હોય તો મહેન્દ્રભાઇ મેઘાણીએ ૧૯૫૦ થી શરૂ કરેલું ‘ મિલાપ ’ આજે પણ યાદ આવે ત્યારે તેની ખોટ વરતાયા કરે છે. કવિ ઉમાશંકર જોશીનું ‘ સંસ્કૃતિ ’ પણ લગભગ ચાર દાયકાની મજલ કાપીને વિરામ પામ્યું. એક સમાજ તરીકે આપણે આવા સુરુચિપૂર્ણ અને સંસ્કારી વાચન પીરસતા સામયિકોને ચલાવવા માટેનો ટેકો કેમ પૂરો પાડી શકતા નથી તે બાબત વિચારણા માગી લે તેવી છે. બચુચાઇ રાવતે મુકુન્દભાઇ પાસે સત્યકથાઓ આગ્રહપૂર્વક લખાવી અને ‘ કુમાર ’ માં નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવી. સત્યકથાની આ વાતો સમાજની સ્વસ્થતાને સાચવવામાં અને સંકોરવામાં મદદ કરે તેવી બળવત્તર અને અસરકારક છે. મુકુન્દરાય પારાશર્યે સત્યકથાઓ સહિત અનેક સર્જનો થકી આપણા સાહિત્યની શોભા વધારી છે. એમની રચનાઓમાં ભાવ સહજતા તથા પ્રવાહીતાનો સુભગ સમન્વય જોવા મળે છે.

એની ગાંઠે ત્રણ ભોમનું નાણું

સાધુડા ! જેના મનડામાં મોતી બંધાણું

મોતી બંધાણું એનું દળદર દળાણું વ્હાલા !

છુટયું સંસારનું સરાણું,

હું પદના બંધવાળુ, કંચનકામિનીવાળું

જીવતર છે રાખનું છાણું …. સાધુડા ! ….

      મુકુન્દરાય પારાશર્ય જેવા સ્વનામ ધન્ય સર્જકના સર્જનો તથા તેમના જીવનની સૌરભ કાળાંતરે પણ ક્ષિણ થતી નથી.

: સંસ્કૃતિ : : ભજનો : લોકવાણીનો અંતિમ પરિપાક :

વાગે ભડાકા ભારી ભજનના

વાગે ભડાકા ભારી

બાર બીજના ધણીને સમરું

નકળંક નેજાધારી… ભજનના..

           અજવાળી બીજની કોઇ રાત્રીએ કચ્છ- સૌરાષ્ટ્રના કોઇ નાના એવા ગામમાં સૂતા હો અને અચાનક ઉંઘ ઉડી જાય તો ઉપરના શબ્દો લયબધ્ધ સ્વરે હવામાં વહેતા સંભળાય છે. શબ્દ-સ્વરોના આ તાલબધ્ધ-લયબધ્ધ ભડાકા તબલા-દોકડ અને રામસાગર જેવા સાદા સાધનોની મદદથી કાળીડીબાંગ રાત્રીમાં એક વિશેષ તથા ઉજળી આભામંડળનું સર્જન કરે છે. લોકસાહીત્ય એ તો એક વિશાળ વટ વૃક્ષ સમાન છે. આ વૃક્ષ તેની ડાળે ડાળે બેઠેલા ભિન્ન ભિન્ન પક્ષીઓથી શોભી ઉઠે છે. આજ રીતે લોકસાહિતયનું વિશાળ વક્ષ પણ ગીતો, છંદો, દોહા, સોરઠાઓ, કથાઓ જેવા તેના વિવિધ સ્વરૂપોથી અનેરી શોભા ધારણ કરીને ઉભું છે. પરંતુ સમર્થ સંશોધન અને લોકકવિ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે તેમ લોકવાણીનો અંતિમ પરિપાક એ  ભજનવાણી છે. એટલું જ નહીં ભજનવાણીએ શાસ્ત્રોની અનેકજ્ઞાનસમૃધ્ધ વાતોનો અમૂલ્ય ખજાનો   સીધી – સોંસરવી અને સરળ ભાષામાં લોકના દરબારમાં રજૂ કર્યોછે. આથી મેઘાણીભાઇએ કરેલું એક ઐતિહાસિક અવલોકન ફરી ફરી સ્મૃતિમાં આવ્યા કરે છે. મેઘાણીએ લખ્યું : .. જો વેદો, ઉપનિષેદો તેમજ ભાગવત ઇત્યાદિતમાંથી દોહન કરીને આ લોકવાણી જો જનસમાન્યને સ્પર્શે તેવા તાલ સંગીતના કટોરામાં ન ઉતારત તો એક પ્રથમ કોટિની કરુણતા નીપજી હોત.’’ વિશાળ જનસમુદાયે આ ભજનવાણીને ખોબે અને ધોબે માણી છે. અંતરના ઉમળકાથી આ વાણી અને તેના વાહકોને વધાવ્યા છે. નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસ કે મુગટલાલ જોશી જેવા અનેક મીઠા અને મર્મીલા ભજનવાણીના વાહકોને લોકોએ આકંઠ માણ્યાં છે. આ પરંપરાગત તથા સત્વશીલ સાહિત્ય તેની આંતરશકિતથી જમસામાન્યના હૈયાદ્વારે કાયમી સ્થાન મેળવવામાં સફળ થયેલું છે. આપણી સંતવાણી કાળજયી છે. તેના સ્વર સૂરનું એક જૂદુંજ ખેંચાણ છે.

જમીં આસમાન બાવે

મૂળ વિણ રોપ્યાં જી…

થંભ વિણ આભ ઠેરાણાં હોજી

   અખંડ ઘણીને હવે ઓળખો હોજી

ભારતના દરેક ખુણાના બહોળા લોક સમૂહને આ વાણીએ ભીંજવી છે. ગોરખનાથ – રામાનુજ – કબીર – ભાણસાહેબ – જ્ઞાનેશ્વર –   તુકોબા – નરસિંહ – દાસી જીવણ – મીરાં – ગંગાસતી જેવા તેજસ્વી નામોનું વિરાટઅને વ્યાપક યોગદાન ભજનવાણીના વિષયમાં છે. છેલ્લા પાંચ કે છ સૈકાઓથી ભજનવાણીનો એક અલગ સામાજિક પ્રભાવ જોઇ શકાય છે. ભકિતમાર્ગના ઉપાસકોને ભજનવાણીનો મોટો આધાર તેમના સાધના પથના માર્ગમાં હાથવગો રહેલો છે. મેઘાણીભાઇ ભકિતરસના આ પ્રવાહને ચૌદમી સદીના વિરાટ અને ભારતવ્યાપી ચમત્કાર તરીકે ‘સોરઠી સંતવાણી’માં ઓળખાવે છે. જ્ઞાનની અમૃતધારા આ મધ્યયુગના સંતોએ સરળ ભાષામાં મઠો અને મંદિેરોની બહાર લોકદરબારમાં લાવીને મૂકી હતી. આ એક અસાધારણ ઘટના હતી. પ્રેમલક્ષણા  ભકિતના રંગે લોકહૈયા રંગાયા હતા.

સખી ! સાંભળ કરું એક

વાતડી, સાંભળતા લાગે મીઠી રે,

સખી ! સતગુરુએ શબ્દ સુણાવિયા

આજ તો અચરજ મેં દીઠી રે.

ભકિતમાર્ગના આ સ્નેહપંથ પર કથની નહિ પરંતુ કરણી પર વિશેષ ભાર છે. સહનશીલતા જેવા ગુણોનુ તેમાંમહત્વ પ્રગટ કરવામાં આવ્યું છે. જયારે સહનશીલતાના ગુણની વાત કરવામાં આવે ત્યારે ધરતીમાતાથી બીજુ મોટું ઉદાહરણ હોઇ શકે નહિ.

જી રે લાખા !

ખુંદી તો ખમે માતા

પ્રથમીને વાઢી તો ખમે

વનરાઇ, કઠણ વચન

મારાં સાધુડાં ખમે,

નીર તો સાયરમાં રે સમાય,

લાખા ! અબળા લોયણ

તમને એમ ભણે હોજી

લોકકવિ અને લોકસાહિત્યના ધૂળધોયા શ્રી મેઘાણીએ સંત સાહિત્યનું સંશોધન સંપાદનનું કાર્ય કર્યું. સંતસાહિત્યનું ભાતીગળ સ્વરૂપ   જોતાં પ્રતિતિ થાય છે કે ભકિત પ્રવાહનું આપણું આ સાહિત્ય ઘણાં વ્યાપક તથા વિસ્તૃત સ્વરૂપે ફેલાયેલું છે. શાસ્ત્રોના વચનો તથા અનેક વિચારકોના તત્વચિંતનને સુપાચ્ય તથા સરળ બનાવીને ભકતકવિઓ ઉંડાણના ગ્રામ્ય જીવન સુધી નિષ્ઠાપૂર્વક લઇ ગયા. દુર્ગમ રુઢિની દિવાલો છિન્ન ભિન્ન કરીને આ સંતોએ નવા ચીલા પાડયા છે. જાત તરફની જાત્રાનું મહત્વ આ સંતોએ ગાયું અને સમજાવ્યું છે. ઉદાહરણ તરીકે ભાણસાહેબના પુત્ર ખીમ સાહેબના આ પદમાંભીતરની દ્રષ્ટિને ઉજાગર કરવાની વાત કરી છે. આ માટે બહાર ફરવાનીકયાં જરૂર છે ?

આ કાયામાંપરગટ ગંગા,

શીદ ફરો પંથપાળા,

એ રે ગંગામાં અખંડ નાઇલ્યો,

મત ન્હાવ નદીયું નાળા,

સંતો ફેરો નામની માળા.

ભકિત આંદોલન રાષ્ટ્રવ્યાપી થવાના અનેક કારણો અભ્યાસુઓએ જણાવ્યાં છે. પરંતુ બધા કારણોમાં ભકિતમાર્ગની આ ધારા લોકકેન્દ્રી બનીને રહી અને ચાલી તે ખૂબ મહત્વનું છે.

સંસ્કુત ભાષાની ભભક તેમજ પ્રચુરતા સામે લોકવાણીની સરળતા લોક ખેંચાણનું મહત્વનું કારણ બની રહી. ઉપરાંત ભકિત આંદોલનમાં નારી શકિતના મહત્વનો પૂર્ણ સ્વીકાર થયો.આ માર્ગમાં જાતિ-પાતિના આવા કોઇ કૃત્રિમ નિષેધ ન હતા. ‘‘ પાટ પરંપરા’’ માં તો નારીશકિતનો વિશેષ સ્વીકાર થયો. ઉપરાંત આ બધા સંતો-ભકત કવિઓ સંસાર વચ્ચે રહ્યાં અને ઉજળા જીવનના આદર્શોની સ્થાપ્ના કરતાં ગયા. સંત દેવીદાસ જેવા સંતોએ દીન-દુખિયા તથા રોગગ્રસ્ત ભાંડુઓની સેવાને જ પ્રભુભકિતના આદર્શ તરીકે સ્વીકારી રકતપિતીયાઓની સેવા કરી. કબીર સાહેબ સંત સાહિત્યનાં મેરુશિખર સમાન છે. આજે પણ તેમની કાળજયી રચનાઓ સમાન આદર ભાવથી અનેક લાકેો સાંભળે છે. આજ રીતે રણુંજાના રામા રામદેવ બીજ માર્ગની ઉપાસનામાં મહત્વનું સ્થાન પામેલા છે. સંતકવિઓએ બાહ્ય આચાર વિચાર કરતા ભીતરના પરીવર્તને વિશેષ મહત્વના ગણ્યાં છે. નરભેરામ લખે છે :

નથી રામ ભભૂતિ ચોળ્યે

નથી ઉંધે શીર ઝોળ્યે

નથી નારી તજી વન જાતાં

જયાં લગી આપ ન ખોળે.

સંતવાણી કે ભજનવાણી એ આપણાં સાહિત્યનો એક મહત્વનો તથા સત્વ ધરાવનારો પ્રવાહ છે. આથી આ સાહિત્યનું તેના શૂધ્ધ સ્વરૂપે જતન થાય તે જોવાની આપણી ફરજ છે. આ ભવ્ય વારસાની અનેક વાતો સાંપ્રત કાળમાંપણ એટલીજ પ્રસ્તુત છે.

: સંસ્કૃતિ : : અવિરત ઉદ્યમનો જાજરમાન ચરખો : : નિરંજન વર્મા :

Niranjan Varma

આભના થાંભલા રોજ ઊભા રહે

વાયુનો વિંઝણો રોજ હાલે

ઉદય ને અસ્તના દોરડા ઉપરે

નટ બની રોજ રવિરાજ મહાલે

ભાગતી ભાગતી પડી જતી પડી જતી

રાત નવ સૂર્યને હાથ આવે

કર્મવાદી બધા કર્મ કરતા રહે

એમને ઉંઘવું કેમ ફાવે ?

      ક્રાંતિકારી નિરંજન વર્મા (નાનભા બાદાણી – ગઢવી) જીવ્યા માત્ર ૩૪ વર્ષ. ટૂંકા આયખામાં પણ કવિ શ્રી દુલા ભાયા કાગે ઉપરના શબ્દોમાં લખ્યું છે તેવું કર્મશીલ જીવતર જીવીને ગયા. આટલા વર્ષોમાં પણ નવેક વર્ષ તો તેઓ બીમાર રહ્યા. શ્રી જયમલ્લ પરમારે લખ્યું : ‘‘કાળના હથોડે નિત્ય કોરાઇ રહેલા કલેવરને (નીરુભાઇએ) નવ વર્ષ સુધી જાળવીને લોહીના બુંદેબુંદનો હિસાબ ચૂકવ્યો. એકેય બુંદ વેડફવા ન દીધું. એકે એક શ્વાસોશ્વાસની પૂરી કિમ્મત આ વીરે વિધાતાના ચોપડે જમા કરાવી.’’  વિશ્વની તે સમયની સમર્થ બ્રિટીશ હકૂમતને પડકારનાર આ જન્મજાત વીર પુરુષે યમરાજા સાથેનું અંતિમ યુધ્ધ પણ સમાન ગૌરવ તથા દ્રઢતાપૂર્વક કર્યું. ૧૯૧૭ માં નિરૂભાઇનો જન્મ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના રાજડા ગામે થયો. ૨૦૧૭ નું વર્ષ આ યુવાન શહીદની જન્મશાતાબ્દીનું વર્ષ છે. સૌરાષ્ટ્ર – ગુજરાતના ઉજળા મુક્તિ સંગ્રામની વિગતો ધ્યાનથી જોનાર – સમજનાર અનેક લોકોના મનમાં નિરંજન વર્માની સ્મૃતિ ફરી ઝબકી જશે. નિરંજન વર્માના જીવન અને કાર્યનું આલેખન કરતી સુંદર તથા વિગતોથી ભરપૂર પુસ્તિકાનું સંપાદન ભાઇ રાજુલ દવેએ કર્યું છે. મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર રાજકોટના સહયોગથી પ્રવીણ પ્રકાશને (રાજકોટ) આ પુસ્તિકા સપ્ટેમ્બર-૨૦૧૬ માં સમાજ સામે અને સમાજ માટે પ્રસ્તુત કરી છે. આવા ઉપયોગી કાર્ય માટે આ બધા લોકો – સંસ્થાઓ આપણાં અભિનંદનને પાત્ર છે.

      નિરૂભાઇએ દેશ સેવાની સાથેજ વિસ્તૃત સાહિત્ય સેવા કરી. ઉત્તમ પ્રકારના અને મૂલ્ય નિષ્ઠ પત્રકારત્વમાં પોતાનું યોગદાન આપ્યું. બાળકોને રસ પડે તેવી અનેક વાર્તાઓ કરી. છેવાડાના માનવીઓના હમદર્દથી તેમના હામી બન્યા. ‘‘ફૂલછાબ’’ માં નિરૂભાઇનાયોગદાન વિશે શ્રી ઝવેરચંદ મેઘાણીએ ઉલટભેર પ્રશંસા લખી. ગ્રામસેવાના અભિનવ પ્રયોગમાં તરવડા (જિ.અમરેલી) ગામમાં રહીને સામાજિક ઉત્થાનનું કાર્ય કર્યું. જીવનના ફક્ત ત્રણ દાયકામાં કોઇ એક વ્યક્તિ આટલા કાર્યો કેવી રીતે કરી શકે ? મુક્ત હાસ્યના ધોધની સાથેજ નિરંજન વર્માના જીવનમાંથી શક્તિનો પણ પ્રચંડ ધોધ વહેતો રહ્યો.

ભાવનગરના તખ્તસિંહજી હિન્દુ સેનેટોરિયમમાં ચાલતા છેવાડાના વર્ગના બાળકો માટેના ઠક્કરબાપા આશ્રમમાં નિરંજન વર્માએ ગૃહપતિ તરીકે તે કાળે કરેલું કાર્ય જોઇને અચરજ તથા અહોભાવ થાય તેવું છે. નિરુભાઇની આશ્રમના વિદ્યાર્થીઓ તરફથી પિતા તુલ્ય પ્રીતીની વાત હરિભાઇ રાણાભાઇ ભાસ્કર નામના આશ્રમના જ એક વિદ્યાર્થીએ સુંદર તથા સહજ રીતે લખી છે. જયમલ્લભાઇ પરમાર તથા નિરંજન વર્મા આ આશ્રમમાં આવ્યા અને રહ્યાં. આશ્રમમાં તેમણે ગ્રામોદ્યોગ શરૂ કરાવ્યો. વિદ્યાર્થીઓની નિરુભાઇ તરફની લાગણી તથા આદરને કારણે તેઓએ નિરુભાઇને આશ્રમના ગૃહપતિ તરીકે મૂકવા માટે વિનંતી કરી. આ વિનંતીનો સ્વીકાર થયો. ત્યારબાદ આશ્રમ જીવનમાં પરિવર્તન અસામાન્ય હતું. આ પરિવર્તનથી વિદ્યાર્થીઓનો સર્વતોમુખી વિકાસ થઇ શક્યો. નાનાભાઇ ભટ્ટ કે દર્શક જે પધ્ધતિથી વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી તથા પ્રેરક બનતા હતા તેનુંજ પ્રતિબિંબ અહીં ઝીલાતું જોવા મળે છે. જયમલ્લભાઇ તથા નિરુભાઇના માર્ગદર્શન હેઠળ આશ્રમમાં નવા પ્રાણના સંચાર થયા. ભજનમંડળી, વાચન અને ચર્ચા વિચારણા, હસ્તલિખીત માસિક, લેખન, પ્રવાસ જેવી વિદ્યાર્થીઓના જીવનની સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓએ જોર પકડયું. ગૃહપતિ તરીકે નિરુભાઇના જીવનની દરેક ક્ષણની મથામણ એ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને  જ થતી હતી. ભાગવતમાં ઋષિ સાંદિપનીના આશ્રમમાં રહેલા કૃષ્ણ-સુદામા વચ્ચેના સંબંધની, ઉષ્માની લાગણીનું વર્ણન છે તેનું જ પ્રતિબિંબ ભાવનગરના આ નાના આશ્રમના પછાતવર્ગના બાળકો તથા નિરુભાઇ વચ્ચેના સ્નેહમાં ઝીલાય છે. નિરુભાઇ બાળકોને પ્રવાસે લઇ જાય અને કુદરતના વિવિધ સ્વરૂપોના ભાતીગળ રંગોનો પરિચય કરાવે. નિરંજન વર્માનો મૂળ ક્રાંતિકારી જીવ અને તેથી આવા પ્રવાસો દરમિયાન કોઇ જગાએ બાળકોને મંદિરમાં જતાં કોઇ રોકે તો સંઘર્ષમાં ઉતરવાની પણ પૂરી તૈયારી ! અને આવા દરેક નાના મોટા સંઘર્ષને અંતે આશ્રમના વિદ્યાર્થીઓને મંદિરમાં પ્રવેશ અપાવીને જ રહે. ‘‘શીંગડા માંડતા શીખવીશું’’ ની દર્શકદાદા વાળી વાત અહીં આબેહૂબ પ્રગટ થતી જોવા મળે છે. ચારણો-રબારીઓના નેસમાં છાત્રાલયના બાળકોને એ સમયે (૧૯૩૬) દૂધપાક અને બાજરાના રોટલાના જમણની મહેમાનગતી કરાવી શકનાર આ મહામાનવ સામા પૂરે જ તર્યા હશે ! નિરુભાઇની નિર્ભયતા તથા ભોળા તથા મહેમાનપ્રિય નેસવાસીઓની નિર્દોષતા તથા મહેમાનનવાજી એ બન્નેનું  તેમાં દર્શન થાય છે. જયાં પડાવ હોય ત્યાં ભજનની રમઝટ તો ખરી જ. આશ્રમના એક બાળકને સર્પદંશ થતા તેનું માથું ખોળામાં લઇ સમગ્ર રાત ચાકરી કરનાર નિરુભાઇ જયારે બાળક દેહ મૂકે છે ત્યારે જનેતા જેવું આક્રંદ કરે છે તે વાત આ સંબંધોની પરાકાષ્ટા રૂપ છે.  સમાજમાં જ્ઞાતિ આધારીત ભેદભાવ નાબૂદ કરવાના યજ્ઞકાર્યમાં આ ક્રાંતિકારીએ એ કાળમાં પણ સામા પૂરે તરીને ઠોસ કામ કરી બતાવ્યું.

      નિરૂભાઇના સમગ્ર જીવન તથા તેમના લેખનને જોતાં તે કાળની તાસીર સ્પષ્ટ કરતી અમુક હકીકતો ધ્યાનમાં આવ્યા સિવાય રહેતી નથી. એક તો સૌરાષ્ટ્રના (અને સમગ્ર દેશના પણ) મુક્તિ સંગ્રામમાં લોક સાથેનો સંપર્ક કેળવીને મજબૂત બનાવવામાં સાહિત્યનો આધાર નિર્ણયાત્મક રીતે લેવામાં આવેલો છે. ૧૯૩૦ ના સુપ્રસિધ્ધ નમક સત્યાગ્રહમાં ધોલેરા (ભાલ) છાવણીના સમગ્ર વિસ્તારમાં જે લોક જુવાળ સત્તાધિશો સામે યુધ્ધે ચડવા માટે ભભૂકી ઊઠ્યો તેમાં લોકકવિ શ્રી મેઘાણીના કાવ્યોની ઘણી મોટી અસર હતી. ‘‘સિધૂંડા’’ (૧૯૩૨) નામથી પ્રસિધ્ધ થયેલી યુધ્ધગીતોની પુસ્તિકાને બ્રિટીશ સરકારે પ્રતિબંધિત કરી હતી. આ પુસ્તિકા વાંચવી કે તેનું વિતરણ કરવું તે ગુનાહિત બાબત ગણાતી હતી. પુસ્તિકાનું વિતરણ કરનારની પોલીસ ધરપકડ કરતી હતી. છતાં પણ આ શૌર્ય ગીતો તો વાયુવેગે લોકમાં પ્રસરી ગયા. આ ગીતો ગવાયા તથા વ્યાપકપણે ઝીલાયા. નિરંજન વર્મા તથા જયમલ્લ પરમારે પણ પોતાની સાહિત્યની જાણકારીનો લાભ લઇ લોકસંપર્ક માટે તથા લોકજાગૃતિ માટે વ્યાપક રીતે લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોનો અસરકારક ઉપયોગ કર્યો. આ બન્ને મિત્રોએ ગાંધી વિચારની ઊંડી અસરને કારણે મુક્તિ સંગ્રામ માટેની જાગૃતિ સાથેજ સામાજિક જાગૃતિ માટે પણ સભાનપણે પ્રયાસો કર્યા. લોકસાહિત્યની ઉપાસક આ બેલડીને તેમની સાહિત્ય સૂઝ તથા ઉજળા જીવનને કારણે લોકોએ વધાવી અને તેમના નવજાગૃતિના સંદેશને ઝીલવાના પ્રયાસો કર્યા. આ કાળનું સાહિત્ય સર્જન અને સાહિત્યનો પ્રસાર મુક્તિ મેળવવાના ઉમદા હેતુ માટે સુઆયોજિત રીતે થયો. માતૃભૂમિને સંબોધીને કવિ ઝવેરચંદ મેઘાણીએ લખેલા આ શબ્દો સ્વાભિમાન અને ખુમારીના દર્શન કરાવે છે.

મા ! સર્વથી વહાલું તને હો

ઉચ્ચ મસ્તક, મેણાં જૂઠાણાંની

જડી હો ઉચ્ચ મસ્તક, કૂડની

કલેજે શારડી હો, ઉચ્ચ મસ્તક

કરવા ખુલાસા થોભતી ના,

ઉચ્ચ મસ્તક, બેબાકળી બીલકુલ

થતી ના, ઉચ્ચ મસ્તક.

      કવિ ઉમાશંકર જોશીની કલમે પણ નિરંજન વર્મા તથા જયમલ્લ પરમારનું રેખાચિત્ર સ્મૃતિમાં રહી જાય તેવી ઢબે લખાયેલું છે. કવિ લખે છે : ‘‘ ૧૯૩૯ માં રાણપુર ગયો. ફૂલછાબ કાર્યાલયમાં બે જુવાનોનો પરિચય થયો. (ફૂલછાબ તે સમયે રાણપુરથી પ્રકાશિત થતું હતું) રાણપુર કાર્યાલયમાં એ..ઇ બસ બાજરીના રોટલા ને છાશના ધુબાકા ! પેલા બે ભેરૂઓ (જયમલ્લભાઇ – નિરૂભાઇ) એવું વાતાવરણ જમાવે કે તમે તાજામાજા થઇ જાઓ. આ બે ભેરૂમાંથી એક જયમલ્લ પરમાર અને બીજો એકવડિયા બાંધાનો, ગૌરવર્ણ, ઊંચો તથા તરવરિયો જુવાન એ નિરંજન વર્મા. નિરંજન વર્મામાં ચેતન એવું નિરંતર હલમલ થતું  લાગતું હતું. એને જોઇને એમ થાય કે આવો જીવ ઝાઝું આપણી વચ્ચે શેનો ટકે ? ભાઇ નિરંજનની શક્તિનો ગુજરાતી ભાષાને અનેકવિધ લાભ મળવાની આશા અકાળે લુપ્ત થઇ ! ’’ ખરેખર આ જીવ અકાળે આપણી વચ્ચેથી ઊઠી ગયો. તેમની સ્મૃતિને વાગોળવાનો અવરસ છે.

હાલો હૈડાં જીરાણમેં

શેણાંને કરીએ સાદ,

મિટ્ટી સે મિટ્ટી મિલી

(તોય) હોંકારો દિયે હાડ.

      કાલાવાડ તાલુકાના રાજડા ગામથી શરૂ થયેલી એક ભવ્ય અને ભાતીગળ જીવનયાત્રા ૧૯૫૧ માં આંધ્રપ્રદેશના મદનપલ્લી ગામના આરોગ્યવરમ્ સેનેટોરિયમમાં પૂર્ણ થઇ. માણસ જીવનની છેલ્લી ક્ષણોમાં નિયતિના નિર્ણયની જાણકારી હોવા છતાં પણ કેવી અસાધારણ સ્વસ્થતાથી રહી શકે તેનું અસામાન્ય ઉદાહરણ નિરૂભાઇ મૂકીને ગયા. મિત્રોની હૂંફમાં અને સ્વાભિમાનના ઉત્કટ ભાવથી નિરૂભાઇ જીવ્યા. નિરૂભાઇ – જયમલ્લભાઇ પરમાર તથા ઇશ્વરભાઇ દવેની દોસ્તીને ‘‘લોકસંસ્કૃતિના ત્રિદલ બીલીપત્ર’’ તરીકે ઓળખવામાં આવી છે તે યથાર્થ છે. આવા વીરો કોઇની પ્રશંસાના મહોતાજ ન હતા. જે અંતરમાંથી ઊગ્યું તેનેજ માર્ગદર્શક ગણીને તેઓ નવા ચિલા પાડીને ગયા.

બિંદુએ બિંદુએ રક્ત દીધાં ગણી,

ચૂકવી દેહની પળેપળે કણી કણી.

: સંસ્કૃતિ : : હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ :

રવિશંકર મહારાજે કહેલા અને મેઘાણીભાઇએ સાંભળીને લખેલા નીચેના શબ્દો કાન દઇને સાંભળવા જેવા છે :

      ૧૯૩૦ ની લડતનું રણશીંગુ મહાત્માજીએ ફૂંક્યું હતું. સમગ્ર દેશમાંથી તેનો પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો હતો. એક ચપટીભર મીઠું ઉપાડી અંગ્રેજ સરકારની દેખાતી ભવ્ય ઇમારતના પાયામાં લૂણો લગાડવા માટે બાપુ સાબરમતીના કીનારેથી સાથીદારોને લઇને મહાપ્રયાણ કરી ગયા હતા. દેશ જાગી ગયો હતો. બ્રિટીશ સરકારનું સમગ્ર તંત્ર આ સ્વયંભૂ લડતને દબાવી દેવા માટે સજાગ થયું હતું. અનેક લોકોની ઝડપભેર ધરપકડો થતી હતી. આ દિવસોમાં મહારાજ કહે છે કે અમારે ત્યાં (મહીકાંઠાના ગામડાઓમાં) એક મોતીભાઇ ડોસા હતા. એ દિવસોના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે માહિતી આપતી અનેક નાની પુસ્તિકાઓ – છાપા કે ચોપનિયા પ્રગટ થતા રહેતા હતા. મોટા ભાગના આવા પ્રકાશનો પર ગોરી સરકાર પ્રતિબંધ મૂકતી હતી. આમ છતાં અનેક યુવાનો આવી પત્રિકાઓના વિતરણનું કાર્ય પોલીસને થાપ આપીને કરતા રહેતા હતા. જો કોઇ વ્યક્તિ આવી પત્રિકા વાંચતા કે તેનું વિતરણ કરતા પકડાય તો તેને જેલ ભેગો કરી કેસ ચલાવવામાં આવતો હતો. મહારાજ કહે છે આ મોતીબાપા પણ એક દિવસ આવી પત્રિકા વાંચતા પકડાઇ ગયા. બાપાની વૃધ્ધાવસ્થાને જોઇને પોલીસ અધિકારીને તેમની દયા આવી. આથી તેમની ધરપકડ ન કરવી પડે તેવા આશયથી મોતીભાઇનો કેસ નબળો કરવા પોલીસ અધિકારીએ તેમને પૂછ્યું : ‘‘ કેમ ડોસા, આ પત્રિકા તો તમને કોઇએ તમારી જાણ બહાર મોકલી આપી હતી ને ? ’’ હવે મહારાજ કહે છે સ્વાતંત્ર્ય પ્રેમી મોતીભાઇનો જવાબ સાંભળો : ‘‘ શું વાત કરો છો સાહેબ ! મને કોણ મારી જાણ બહાર મોકલી આપે ? હું તો આ પત્રિકાનો નિયમિત ગ્રાહક છું અને તે પણ કંઇ આજકાલનો નથી ? છેક ૧૯૨૨ થી હું સત્યાગ્રહી છું ’’ પૂરા ગૌરવ અને શાનથી આ ગાંધીભક્ત મોતીડોસાએ પરાણે ગુનો કબૂલ કર્યો અને જેલમાં ગયા. જેલમાં ગયા બાદ મોતીભાઇની ખેતીની જમીન સરકારે ઝૂંટવી લીધી. જેલમાંથી છૂટ્યા ત્યારે વૃધ્ધ અને જીર્ણ બનેલા ડોસાને જીવનનિર્વાહ ચલાવવાની મુશ્કેલી રહેતી હતી.  થઇ શકે તેવી મજૂરી કરી પેટનો ખાડો પૂરતા હતા. એમને મદદ કરવા કેટલાક લોકોએ પ્રયાસ કર્યો ત્યારે બોલી ઊઠ્યાં : ‘‘ હું મદદ લઇને પારકે પૈસે નિર્વાહ કરું ? મેં તો આઝાદીના જંગમાં ભાગ સ્વેચ્છાએ લીધો છે. મહારાણા પ્રતાપનો હું વંશજ છું ! ’’ ગાંધીએ જે સમગ્ર કાળ જગાડવાનું અસાધારણ કાર્ય કર્યું તેમાં આવા અનેક લોકો આહુતિ થઇને હોંશેહોંશે હોમાઇ ગયા હતા.

      મહારાજ અને મેઘાણી વચ્ચે સ્વરાજ્ય આવ્યું તે પહેલા થયેલા વાર્તાલાપમાંથી જગતને મહીકાંઠાના આ માનવીઓની વ્યથા-કથા તથા તેમની અનેક વીરતાની વાતો જાણવા મળી. ‘‘ ઊર્મિ નવરચના ’’ માં આ વાતો પ્રથમ પ્રસિધ્ધ કરવામાં આવી. ૧૯૪૬ માં મેઘાણીભાઇના પુસ્તક ‘‘ માણસાઇના દીવા ’’ ને મહિડા પારિતોષિકથી નવાજવામાં આવ્યું. જે કોમને સમગ્ર જગત માત્ર ગુનેગારોની નજરે જોતું હતું તેવા આ બારૈયા, પાટણવાડિયા, ધારાળા જેવી કોમના લોકોની આ ઉજળી વાતો મહારાજની અમીયલ આંખોએ જોઇ અને મહારાજના બયાન પરથી લોકસાહિત્યકાર મેઘાણીએ તેનું બળકટ આલેખન કર્યું.

      એપ્રિલ માસની ગરમીના દિવસો છે. આવાજ આકરા દિવસોમાં અને ભાલપ્રદેશના ધંધુકાની અદાલતમાં ૨૮ એપ્રિલ-૧૯૩૦ ના રોજ સ્વાતંત્ર્ય સેનાની મેઘાણીએ આપેલા ઐતિહાસિક પ્રવચનની સ્મૃતિ તાજી થાય છે. પોતાના જાહેર વક્તવ્યમાં કવિ મેઘાણી સરકારી તંત્રના ‘‘સમર્થ તથા ફળદ્રુપ ભેજા’’ ને અભિનંદન આપે છે ! તેઓ કહે છે કે જે ભાષણ તેમણે કર્યુંજ નથી તે ભાષણ માટેનો આ ખટલો (કેસ) ચાલે છે ! તેઓ બ્રિટીશ તંત્રના આ પગલાને હળવાશથી ‘‘મજાકભર્યા બનાવ’’ તરીકે ઓળખાવે છે. ગોરી સરકારે ગોઠવેલા ન્યાયના આ પ્રપંચમાં તેમને ભરોસો નથી. દેશમાં તે સમયે ચાલતા મુક્તિ સંગ્રામના અડગ તથા અહિંસક વીરત્વને તેઓ બીરદાવે છે. ધંધુકાની અદાલતમાં ગુનેગારના પાંજરામાં ઊભેલા આ મહામાનવની ગરવાઇથી હાજર રહેલા સૌ નતમસ્તક થાય છે. ત્યારપછી અદાલતની પરવાનગીથી તેમણે એક ગીત ગાયું. આ રચના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની તવારીખમાં અજોડ છે અને તેથીજ આ રચનાઅમરત્વને વરેલી છે.

હજારો વર્ષની જૂની અમારી

વેદનાઓ, કલેજા ચીરતી

કંપાવતી અમ ભયકથાઓ,

મરેલાંના રુધિરને જીવતાનાં

આંસુડાઓ, સમર્પણ એ સહુ

તારે કદમ પ્યારા પ્રભુ ઓ !

કવિ શ્રી ઉમાશંકર જોશીએ લખ્યું છે તેમ જગતના લોકો કદાચ માન પાન ઘણાં લોકોને આપે પરંતુ સ્નેહ ઘણાં ઓછા લોકોને આપે છે. ગુજરાતે મેઘાણીભાઇને ખોબે અને ધોબે સ્નેહ આપેલો છે. મુક્તિ સંગ્રામમાં સક્રિય યુવાનોના તો આ લોકકવિ આદર્શ સમાન હતા. મેધાણીભાઇ લખે છે : ‘‘મને રાષ્‍ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્‍તુત: એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્‍ણા રહે? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્‍યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે કે, વધુ ગીતો શે લખાય ?’’

      રાષ્‍ટ્રપિતાએ જેમને રાષ્‍ટ્રીય શાયર માન્‍યા તથા બીરદાવ્‍યા એવા આ મહા કવિના વિચારોમાં કેટલી નમ્રતા તેમજ લાગણીશીલતા દેખાય છે? કવિને મન તેના પ્રિય ભાવકોની સ્‍વિકૃતિથી વિશેષ મહત્‍વનો કોઇ ઉપહાર નથી. ભાવકોના દિલમાં સ્‍થાન મેળવવું તેની તોલે કોઇ ઇનામ કે એવોર્ડ આવી શકે નહિ. ખાસ કરીને તે સમયના તરૂણોને મેધાણીભાઇની વિવિધ રચનાઓમાં પોતાની મનોસ્‍થિતિનું જીવંત તેમજ આબેહૂબ પ્રતિબિંબ દેખાયુ. તરુણોએ જયારે આ કાવ્‍યોને ખોબે અને ધોબે વધાવ્‍યા અને અપનાવ્‍યા ત્‍યારે કવિને તેમના વિશે સાંપ્રત કાળને અનુરૂપ વધારે રચનાઓ લખવાનો સંકલ્‍પ થયો. આવી રચનાઓ જોઇએ તેટલી લખાતી નથી તેની મીઠી ખટક પણ કવિના મનમાં રહી. કાળના એ ભાતીગળ તથા પડકારરૂપ પ્રવાહમાં મેધાણીભાઇની છટાથી, તેમના હાવભાવથી તથા તેમની અસ્‍ખલિત વાણીના વેગીલા પ્રવાહથી યુવાનો તેમને સાંભળવા તલપાપડ હતા.

      મુંબઇ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવતી વસનજી ઠકરાર વ્‍યાખ્‍યાનમાળાના પાંચ પ્રવચનો તેમણે ૧૯૪૩ માં પસ્‍તુત કર્યા. પ્રથમ પ્રવચનથીજ જાણે કે આ કાઠિયાવાડી કવિએ મુંબઇના અનેક અધ્‍યાપકો, નવયુવકો પર વશીકરણ કર્યું. શ્રી કૃષ્‍ણલાલ મો. ઝવેરી લખે છે કે આ વ્‍યાખ્‍યાનમાળાને પરિણામે ગુજરાતી સાહિત્‍યને ઉત્તમ કોટિના વ્‍યાખ્‍યાન મળ્યા. મેધાણીભાઇના પ્રથમ વ્‍યાખ્‍યાન સમયે શ્રી કૃષ્‍ણલાલ ઝવેરી એ સભાના પ્રમુખ તરીકે હતા. મેધાણીનું નામ એવું કે તેમને સાંભળવા, જોવા હાજર રહેલા સૌ ઉત્‍સુક હતા. તેમને બધા જોઇ શકે તે માટે તેઓને ટેબલ પર ઉભા રહીને પ્રવચન કરવાની વિનંતી કરવામાં આવી જે તેઓએ તરત જ સ્‍વીકારી. તેમના બુલંદ અવાજ તથા પ્રસંગને અનુરૂપ વિશિષ્‍ટ હાવભાવથી તેઓ શ્રોતાજનો પર છવાઇ ગયા. હોલની બહાર પણ માણસોના ટોળા ધ્‍યાનપૂર્વક સાંભળવા માટે સ્‍વયંશિસ્‍ત જાળવી ઉભા હતા. હૈયે હૈયુ દળાય એવી મેદની એક મહાવિદ્યાલયમાં લોક સાહિત્‍ય સાંભળવા એકત્રિત થાય તે પણ એક ઐતિહાસિક ઘટના ગણાય. કોન્‍વોકેશન હોલની બહાર પણ ઉભેલા શ્રોતાઓ લાઉડસ્‍પીકર વગર તેમને સાંભળી શકે તેથી સંપૂર્ણ શાંતિ સહેજે જળવાતી હતી. યુવાનોના મોટા વર્ગ પાસે સાહિત્‍યની વાતો મેધાણીભાઇ કરતા હશે ત્‍યારે જરૂર યુવકોને તેમના પોતાના મનના મનોરથનું જીવતું જાગતું પ્રતિબિંબ દેખાતુ હશે. આ સિવાય વકતા-શ્રોતાઓ વચ્‍ચે  આવું અનોખુ અનુસંધાન ભાગ્‍યેજ સંધાયેલુ જોવા મળે, સાહિત્‍યના સત્‍વશીલ પ્રવાહનું મેધાણીભાઇના માધ્‍યમથી થયેલું આ અનોખું આરોહણ અહોભાવ પ્રેરક છે.

      યુવાનોના ઉમંગ તથા જોશને બીરદાવતા શબ્‍દો આ પંકિતઓમાં તેમણે વહાવ્‍યા.

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ.

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.

       જેમના દિલોદિમાગ પર વીરતા અને બલીદાનનો ઉજળો ઓછાયો પડયો હોય તે યુવાન જ નેકટેકની રક્ષા માટે જીવનના ભિષણ સંગ્રામમાં ઝૂકાવી શકે અને ટકી શકે. મેઘાણીભાઇની ઐતિહાસિક તથા સુપ્રસિધ્ધ રચના ‘‘સુના સમદરની પાળે’’ માં રેવા તીરે વસેલા રળિયામણા રાજેસર ગામનો યુવક સૂર્યાસ્‍તની પવિત્ર સાક્ષીએ, ભાંગતા અવાજે અને ઘાયલ શરીરે પોતાના મિત્રના માધ્‍યમથી જે સંદેશાઓ કહેવરાવે છે તે આવી ખુમારી ભરેલી યુવાનીનો ખરો પ્રતિનિધિ છે. વૃધ્‍ધ માતાને, વહાલસોયી બહેનને, ભોળા ગ્રામવાસીઓ તથા કાળી આંખોવાળી પ્રિયતમાને કહેવા માટે જે ઉર્મિઓ તેની વાતમાં સહજ ભાવે અને કળાત્મક ભાવે ઉભરાય છે તેની આગળ સાગરની લહેરોની ગર્જના પણ કદાચ ફિકકી લાગે. અનેક મીઠાં, મધુરાં અને સ્નેહ – વાત્સલ્યથી ભરેલાં પોતીકા લોકોની ભાતીગળ સ્મૃતિ તેના જીવનના સાફલ્‍ય ટાણાને અવનવા રંગોથી ભરી દે છે. તેનું આખરી પ્રયાણ જાણે પોતાની મોજમાં ગરવાઇ અકબંધ રાખીને જતા કોઇ શહેનશાહ જેવું લાગે છે. તેનો આત્‍મા માયાના બંધનોમાં વિંટળાઇને રહેનાર હતો જ નહિ. આ તો મુકત આત્‍મા હતો, તેને ચિર યૌવન પ્રાપ્‍ત હતું અને અનંતમાં પોતાને પ્રિય એવા બંધનમૂકત ઉડૃયન તરફ તેની સમગ્ર ગતિ હતી.

માડી ! હું તો રાન પંખીડું,

રે માડી ! હું વેરાન પંખીડુ

પ્રીતિને પીંજરે મારો જંપિયો નો ‘તો જીવ તોફાની રે,

સુના સમંદરની પાળે.

રેવાના ઘેરા નાદ અને સંગ્રામ સ્‍થળની ભિષણતા વચ્‍ચે પણ યુવાનના મનોભાવનું આવુ મોહક ચિત્ર મેધાણી જેવા સર્જક જ પ્રગટ કરી શકે. એપ્રિલ માસના સંદર્ભે અને ધંધુકાની અદાલતની યાદગાર જુબાનીની શાખે કવિ અને સંશોધક ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ મનને પ્રફુલ્લતાથી ભરી દે છે.

: સંસ્કૃતિ : : ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત : : ગુજરાત મોરી મોરી રે :

ગુજરાતનો સ્થાપના દિવસ હોય અને પ્રિય ઇન્દુચાચાની સ્મૃતિ ન થાય તેવું બનવાનો સંભવ નથી. દેશની મુક્તિ માટેના મુક્તિ સંગ્રામનું સુકાન ગાંધી નામના એક ગુજરાતના હોનહાર પુત્રે સંભાળ્યું. સ્વતંત્ર દેશના બંધારણીય મૂલ્યોના જતન માટે લડાયેલી ઐતિહાસિક લડતનું નેતૃત્વ વીરતા અને નિષ્ઠાની જાગૃત પ્રતિકૃતિ સમાન જયપ્રકાશ નારાયણે સંભાળ્યું. કવિગુરુ ટાગોરની સુજલામ સુફલામ ભૂમિના શિસ્તબધ્ધ સેનાની સુભાષબાબુએ વિદેશની ધરતી પરથી માભોમની મુક્તિ માટેનો રણટંકાર કર્યો. ગાંધી – જયપ્રકાશ અને સુભાષબાબુએ કરેલા અલગ અલગ સંગ્રામની હરોળમાં સ્થાન મેળવી શકે તેવો ગુજરાત મેળવવાનો ભાતીગળ સંઘર્ષ ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યો. ‘‘અમીર શહેરના આ ફકીર બાદશાહ’’ ના આતમની અમીરાત સાથે સતત ઝઝૂમતા રહેવાની શક્તિ થકી ગુજરાત અને આપણે સૌ ગુજરાતીઓ ઉજળા છીએ. ઉમાશંકર જેવા કવિઓએ ગાયેલી તથા બીરદાવેલી આ ગુજરાતની ભૂમિના સૌ પુત્રોને ગુજરાતનું ગૌરવ ધારણ કરવાનો હક્ક ખરો પણ સાથે આ કવિએજ માર્મીક પંક્તિઓમાં પૂછેલા પ્રશ્નો પણ વિસરી જવાનું પાલવે તેવું નથી. આપણી ભાષાના સમર્થ કવિ ઉમાશંકર જોશીએ જે પ્રશ્નો તેમની આ પ્રસિધ્ધ પંક્તિઓમાં કર્યા છે તે પ્રશ્નો પરત્વે આપણાં તરફથી અવગણના કે વિસ્મૃતિ થાય તો તે આપણાં સૌની સામુહિક અને ભરપાઇ ન થઇ શકે તેવી ખોટ ગણાશે.

ગાંધીને પગલે પગલે તું

ચાલીશને ગુજરાત ?

સત્ય – અહિંસાની આંખે તું

ભાળીશને ગુજરાત ?

બિરુદ વિવેક બૃહસ્પતિનું જે

પાળીશને ગુજરાત ?

      ઇન્દુચાચાના જીવનમાં અને વ્યવહારમાં એક અલગ પ્રકારની ગરીમા હતી. જેના કારણે આ ફકીર બાદશાહની સ્મૃતિ ચિરંજીવી રહી છે. મહાગુજરાત મેળવવા માટેના ઐતિહાસિક સંઘર્ષનું નેતૃત્વ ઇન્દુચાચાએ કર્યું. આ સંઘર્ષમાં અનેક બાબતોમાં તેઓ ગાંધીના પગલે ચાલ્યા. વ્યાપક રીતે યુવાનોને સંઘર્ષની ગતિવિધિઓ સાથે સક્રિય રીતે જોડવાનું કાર્ય આ લડતના કર્ણધાર ઇન્દુલાલ યાજ્ઞિક કરી શક્યા. જે પધ્ધતિથી ભવિષ્યમાં વર્ષો પછી જયપ્રકાશજી યુવાનોને લડતમાં જોડવાના હતા તેજ બાબતનું એક સફળ ઉદાહરણ ઇન્દુચાચાએ દેશ સમક્ષ રજૂ કર્યું. ઇન્દુચાચાએ પોતાની આત્મકથા લખીને મહાત્મા ગાંધીની જેમજ આપણાં પર ઋણ ચઢાવેલું છે. આપણાં કર્મશીલ નેતા સનત મહેતાની દ્રષ્ટિ અને બળ તેમજ ભાઇ ડંકેશ ઓઝાની મહેનતથી ઇન્દુચાચાની આત્મકથા આપણને લાંબા સમય બાદ નવા સ્વરૂપે મળી. ગુજરાતે અનેક નેતાઓ જોયા તથા અનુભવ્યા છે. આ બધાની વચ્ચે ચાચાના વિચારોની દ્રઢતા અને કાર્યની વિજળીક ગતિ તેમને અન્ય લોકોથી જુદા પાડે છે. શ્રીમતી લીલાવતી મુનશીએ યથાર્થ રીતે લખ્યું છે કે           ‘‘ ઇન્દુલાલ એટલે એક્સપ્રેસ ટ્રેનની ઝડપ અને બાળકનું તોફાન ’’ કોઇપણ ક્ષેત્રના વ્યવહારોમાં જ્યારે નિષ્ઠા સાથે બાળ સહજ નિર્દોષતાનો ભાવ ભળે છે ત્યારે સમાજ પર તેની ઊંડી અસર થતી હોય છે. આઝાદી મળ્યા બાદ જેવી દ્રઢતા અને નિષ્ઠા રાષ્ટ્રીય સ્તરે જયપ્રકાશ તથા ડૉ. લોહિયામાં જોવા મળી તેજ મોંઘેરી ચીજોનું દર્શન ગુજરાતને ઇન્દુલાલ યાજ્ઞિકમાં થયું. અમદાવાદે વારંવાર તેમને પોતાના પ્રતિનિધિ તરીકે ભારતની લોકસભામાં મોકલ્યા. સાબરમતીના તીરે વસતા શાણા નાગરિકો ઇન્દુલાલની કિમ્મત આંકી શક્યા તેમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય.

      ઇન્દુચાચા પોતાના માટે લખે છે :

      ‘‘ મારા વિશે કેટલાકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત તો ઊંચો હોત. હનુમાનની માફક હૂપાહૂપ કરું છું તેથી કંઇ મેળવી શકતો નથી, પરંતુ હું કાર્ય રાજકીય દ્રષ્ટિથી નહિ પરંતુ માનવતાની દ્રષ્ટિથી કરું છું… મારો ધર્મ બજાવવામાં અંતરાયરૂપ લાગતા મેં સંસ્થાઓ અને હોદ્દાનો ત્યાગ કર્યો છે. હું મૂર્તિપૂજક નથી…. પરંતુ છાતી ઠોકીને કહી શકું છું કે કદી રાજરજવાડાં, જમીનદાર કે શેઠ શાહુકારની ગોદ કે ઓથ લીધી નથી. ’’ આથીજ આ વણથાક્યા પથિકે કોંગ્રેસ છોડી ત્યારે સરદાર વલ્લભભાઇએ પૂછ્યું કે હવે શું કરશો ? તેનો જવાબ વાળતા આ એકલવીર કહે છે : ‘‘હવે એકલા હાથે સેવા કરીશું.’’ ગમે તેવા તોફાની સમુદ્રમાં પણ પોતાની નાવ શ્રધ્ધાતથા નિષ્ઠાના બળે ઝૂકાવનાર ઇન્દુચાચાની જીવનગાથા યુવાનોના ખમીરને પ્રગટાવે તેવી શક્તિશાળી તથા જ્વલંત છે. ચાચાના અનેરા આત્મવિશ્વાસ અને પ્રચંડ જનપ્રતિસાદથી મોંઘેરી ગુજરાત ગુજરાતીઓને પ્રાપ્ત થઇ શકી.

ફંગોળે તોફાની તીખાતા વાયરા

મુંઝાયે અંતરના હોયે જે કાયરા

તારી છાતીમાં જૂદેરું કો શૂર છે,

બંદર છો દૂર છે

જાવું જરૂર છે !

બેલી તારો ! બેલી તારો !

બેલી તારો તું જ છે.

      જીવનના દરેક તબક્કે સંઘર્ષને નોતરૂ આપનાર આ મહામાનવના ભાષાપ્રેમની પણ એક અલગ હકીકત છે. ગુજરાતી ભાષા પરનું તેમનું પ્રભુત્વ ખૂબજ નોંધપાત્ર હતું. તેમના લખાણો કે પ્રવચનોની ભાષામાંથી આ બાબત સ્પષ્ટ થાય છે. તેમની ભાષામાં એક તળપદી છાંટ જોવા મળે છે. સરદાર સાહેબના બારડોલી લડત પ્રસંગોના પ્રવચનોમાં અનોખી લઢણ અને અસરકારક તેમજ ધારદાર શબ્દપ્રયોગો જોવા મળે છે. આવીજ કંઇક બાબત ઇન્દુચાચાના મહાગુજરાત સંઘર્ષ સમયના પ્રવચનોમાં જોવા મળે છે. અંગ્રેજીમાં પણ તેઓ અસરકારક રીતે પ્રવચન કરી શકતા હતા. મુક્તિ સંગ્રામમાં ગાંધીજીના વિચારોથી ભિન્ન વિચાર ધરાવતા હોય અને  તેને જાહેરમાં પ્રગટ કરતા હોય તેવા આંગળીના વેઢે ગણી શકાય તેટલા નેતાઓ હતા. ઇન્દુચાચા આવા નેતાઓ પૈકી એક હતા. આમ છતાં સમગ્ર મુક્તિ સંગ્રામમાં બાપુની અનિવાર્યતાની વાત તેમણે અનેક પ્રસંગોએ ભાવપૂર્વક કરી હતી. ચાચાએ આત્મકથા લખી ત્યારે પણ પોતાની આત્મકથામાં નાયક તો ગુજરાતની જનતાજ હોય તેવો તેમનો કેન્દ્રવર્તી વિચાર હતો.

      પહેલી મે ના શુભ દિવસે વિશ્વભરના ગુજરાતીઓ મહાગુજરાત ચળવળના જનક ઇન્દુચાચાને હમેશા યાદ કરશે.

: સંસ્કૃતિ : : સ્વાતંત્ર્ય સંગ્રામનો સુવર્ણ મણકો : : ઠાકોર કેસરીસિંહજી :

 

kesarisinhji.jpg

સંત સૂતા ભલા ભક્ત

જે ભોમમાં,

પીર પોઢ્યા જહાં ઠામ ઠામે

ડુંગરે ડુંગરે દેવની દેરીઓ

ખાંભીઓ ખોંધની ગામ ગામે

કૈંક કવિઓ તણાં ભવ્ય

ઉરભાવની, જ્યાં વહી સતત

સાહિત્ય સરણી, ભારતી માતને

ખોળલે ખેલતી, ધન્ય હો !

ધન્ય હો ! કચ્છ ધરણી.

કવિ દુલેરાય કારાણીની ભાતીગળ પંક્તિઓમાં જે ભોમકાનું વર્ણન થયુ છે એજ ભૂમિએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામની ગતિવિધિઓમાં આગલી હરોળમાં મૂકી શકાય તેવા શામજી કૃષ્ણવર્માની ભેટ દેશને આપી છે. પ્રખર ક્રાંતિવીર શામજી કૃષ્ણવર્માનું સ્મારક અને તેમાં વીર ક્રાંતિકારી કેશરીસિંહજી બારહઠ્ઠના તૈલચિત્રનું અનાવરણ તા.ર૩ એપ્રિલ-૧૯૧૭ના રોજ થઇ રહેલું છે તે મહાસાગરની ઘૂઘવતી શાક્ષીએ થતું એક વિચારશીલ તથા પ્રશંસનિય કાર્ય છે. પંડિત શામજી કૃષ્ણવર્મા સ્મારકના સંચાલકો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત રાજકોટનું મેઘાણી કેન્દ્ર તેમજ ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (સી.જી.આઇ.એફ.)નો સહયોગ તથા સ્થાનિક સંસ્થાઓના પૂરક બળથી આ કાર્યક્રમની ભવ્યતા વધી છે. ક્રાંતિકારી કેશરીસિંહજી બારહઠ્ઠ તથા તેમના સમગ્ર પરિવારનું સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં ઉજળું અને અનોખુ યોગદાન છે.

જેલમાં ઠાકુર સાહેબે યાતનાપૂર્ણ સ્થિતિમાં ગાળેલા વર્ષોનો ઇતિહાસ એક સ્વતંત્ર પુસ્તક લખી શકાય તેવો છે. ભલભલા માનવીની હિંમત તુટી જાય, શ્રધ્ધા ડગી જાય તેવો એ આકરો સમય હતો. પરંતુ વીર સાવરકર જેવા ક્રાંતિવીરોમાં જેમ દેશની મુક્તિ માટેનો અગ્નિ ગમે તેવા કપરા કાળમાં નિરંતર પ્રજ્વલિત રહ્યો હતો તેવી જ સ્થિતિ ઠાકુર સાહેબની હતી. આ મહામાનવને કાળી કોટડીમાં નાખ્યા બાદ તેમના કુટુંબની તમામ મિલ્કત જપ્ત થયાની જાણકારી મળી હોવા છતાં તેમના જુસ્સામાં કોઇ ફેર પડતો નથી. કુટુંબીજનોને પણ આ બાબતો હસતા મુખે સહન કરવાની સલાહ આપે છે. આઝાદી માટેનો પુરુષાર્થ ધીમો કે નબળો ન પડે તેની તકેદારી રાખવા પણ સૌ સાથીઓને સૂચવે છે. સમય સારો આવશે જ, માતૃભૂમિ આઝાદ થશે જ તેવો ખમીરવંતો વિશ્વાસ તેમના જેલકાળના જીવનમાં પણ ટકાવી રાખ્યો છે અને તક મળી ત્યારે વ્યક્ત પણ કર્યો છે. જેલમાં પણ તેમણે ઘણાં વર્ષો સુધી અનાજ છોડીને વિતાવેલા હતા. કુટુંબની માલિકીની હવેલી જપ્ત થઇ જતાં સમગ્ર કુટુંબના સભ્યો રસ્તા પર આવી ગયા હોવા છતાં કોઇ નબળો વિચાર તેમણે ક્યારે પણ કર્યો ન હતો. પરાધિન ભારતમાતાના પુત્રો પાસે કાળ બલિદાન માંગે છે તે વાત તેમણે હમેશા ઘુંટી છે અને સૌ પાસે ઘૂંટાવી છે. સ્વરચિત એક દોહામાં તેમણે આ લાગણી પ્રગટ કરી છે.

દિન દુણા નિશ ચૌગુણા સહયા કષ્ટ અનેક,

સહી ન ગઇ પળ સિંહથી પરાધિનતા એક.

      ઠાકુર સાહેબના લઘુબંધુ ક્રાંતિવીર ઠાકુર જોરાવરસિંહજી પણ બલિદાનની ગૌરવ ગાથા સમાન જીવન જીવી ગયા. હિન્દુસ્તાનના વાઇસરોય લોર્ડ હાર્ડિગની શાહી સવારી ઉપર ચાંદની ચોક દિલ્હીમાં બોમ્બ ફેંકવાના જાણીતા કેસમાં બ્રિટિશ પોલીસ તેમની સતત શોધમાં હતી. પરંતુ આ નરકેસરી કદી પકડાયા નહિ અને લગભગ ત્રણ દાયકા સુધી સતત પરિભ્રમણ કરીને બ્રિટિશ પોલીસની આંખમાં ધૂળ નાખતા રહ્યા. આ સિવાય પણ તેમની સામે કેટલાક કેસ રજિસ્ટર કરવામાં આવેલા. ઓક્ટોબર-૧૯૩૯માં તેઓએ આખરી શ્વાસ લીધો ત્યાં સુધી મુક્ત રહ્યા અને અંતિમ શ્વાસો લેતી વખતે માતૃભૂમિને તથા આઇ કરણીને પોતાની જાતનું સંપૂર્ણ આત્મગૌરવથી સમર્પણ કર્યું. વીરતા તથા બલિદાનની આ એક અમર ગાથા છે. બનારસ ષડયંત્રના કેસમાં અંગ્રેજ સત્તાએ કેસરીસિંહજીના સુપુત્ર કુંવર પ્રતાપની ધરપકડ કરી. પ્રતાપસિંહ પાસે તેમના સતત તથા જીવંત સંપર્કને કારણે દેશના અનેક ક્રાંતિકારીઓની પ્રવૃત્તિ બાબત મહત્વની જાણકારી હતી. અનેક શારીરિક યાતનાઓ સહન કરીને પણ કુંવર પ્રતાપે ક્રાંતિકારીઓની ગતિવિધિની કોઇ માહિતી બ્રિટીશ પોલીસને ન આપી. બરેલી જેલની કાલકોઠડી – solitary cell માં અનેક યાતનાઓ સહન કરતાં કરતાં આ યુવાને મે-૧૯૧૮માં મહાપ્રયાણ કર્યું. એક ક્રાંતિકારી રાવ ગોપાલસિંહે પ્રતાપને અંજલી આપતા ભાવવિભોર થઇને કહ્યું કે ‘વિધાતાએ એકસો વીર ક્ષત્રિયના સામર્થ્યને એકઠું કરીને એક પ્રતાપનું નિર્માણ કર્યું હતું.’

વિનમ્રતાની અને દ્રઢતાની શાક્ષાત મૂર્તિ સમાન તેમનું વ્યક્તિત્વ હતું. ઠાકુર સાહેબના ધર્મપત્નિનું નિધન થયું ત્યારપછી તેમણે કેટલીક યાદગાર રચનાઓ અંતરના ભાવથી કરી છે. જીવનમાં કેવા-કવા ચઢાવ ઉતાર આવ્યાં !

સામ્રાજય શક્તિ શત્રુ કી,

સર્વસ્વ થા વો કઢ ગયા,

પ્રિય વીર પુત્ર પ્રતાપ – સા

વેદી બલી પર ચઢ ગયા

ભ્રાત જોરાવર હુઆ પ્યારા

નિછાવર પથ પર વહી,

પતિત – પાવન દીનબંધો !

શરણ એક તેરી ગહી.

ઠાકુર કેસરીસિંહજી બારહઠ્ઠ ક્રાંતિવીરોના તારામંડળના એક તેજસ્વી તારક સમાન હતા. ઠાકુર સાહેબનો જન્મ ૨૧ મી નવેમ્બર, ૧૮૭૨ ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી ઠાકુર કૃષ્ણસિંહજી ઇતિહાસના-મર્મજ્ઞ, લેખક તથા સમાજમાં પોતાની વિદ્વતાના કારણે વિશિષ્ટ આદરમાન ધરાવતા વ્યક્તિ વિશેષ હતા. ઠાકુર કૃષ્ણસિંહજીએ ‘‘રાજપુતાના કા ઇતિહાસ’’ ઉપરાંત સૂર્યમલજી મિસણની પ્રસિધ્ધ ઐતિહાસિક રચના ‘વંશભાસ્કર’ ની ટીકા લખી છે. ઠાકુર કૃષ્ણસિંહજી મહર્ષિ દયાનંદ સરસ્વતિના સ્વાભિમાન તથા શિક્ષણના ઉમદા વિચારોથી પ્રભાવિત હતા. ઠાકુર સાહેબના બન્ને સુપુત્રો – કેસરીસિંહજી તથા જોરાવરસિંહજીએ માભોમની મુક્તિ માટે આપેલા આકરા બલિદાન એ રાજસ્થાનની મુક્તિ ચળવળના સુવર્ણપૃષ્ઠ સમાન છે. તેવા જ ઉજળા બલિદાનની ગાથા ઠાકુર સાહેબના સુપુત્ર કુંવર પ્રતાપસિંહની છે. કુંવર પ્રતાપનો જન્મ ૧૮૯૩ માં સંસ્કારી તથા પહાડ જેવી દ્રઢતા ધરાવનાર માતા માણિક્ય કુંવરની કૂખે થયો હતો. વર્ષો પહેલા હિન્દીના સુપ્રસિધ્ધ સામયિક ધર્મયુગમાં એક વરિષ્ઠ અધ્યાપકે લખેલો લેખ વાંચ્યો હતો જેમાં તેમણે કેસરીસિંહજીના પરિવારના સર્વગ્રાહિ બલિદાનને કારણે રાજસ્થાનનો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેનો ઇતિહાસ અધિક ઉજળો થયો છે તેવું પ્રતિપાદિત કર્યું હતું. એક કુટુંબના બલિદાનની કેવી ઉજ્વળ ગાથા !

 

: સંસ્કૃતિ : : ‘સરોદ’ ની સ્મૃતિની મીઠી સુગંધ :

એપ્રિલ માસના આકારા તાપમાં ‘સરોદ’ના ભાતીગળ સર્જનોની પંકિતઓ અનેરી શીતળતાનો અનુભવ કરાવે છે. ર૭ જુલાઇ-૧૯૧૪ના રોજ જન્મેલા આ કવિ ૧૯૭રની નવમી એપ્રિલે અચાનક જ ‘એક્ઝીટ’ કરી ગયા. સ્વસ્થ જીવન જીવતા આ ન્યાયધિશ કવિને મૃત્યુનો આભાસ આગળથીજ થયો હશે ? કવિ લખે છે :

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?

વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?

કાનાએ કાંકરી હવે લીધી છે હાથમાં

અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?

‘ગાફિલ’ તમારો ઘાટ ઘડાવાની છે ઘડી,

ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત ?

જીવનની આવી ક્ષણભંગુરતાનો આભાસ ‘સરોદ’ ની જેમ ‘કલાપી’ ને પણ કદાચ થયો હશે. આથીજ તેઓ ભ્રમરના મુખે પુષ્પને સંદેશ આપે છે :

અરે આ સ્વપ્ન ટૂંકુ છે

હું ગુંજી લઉં તુ ખીલી લે !

કવિ કલાપી કે સરોદ સાહેબને ભલે આ જીવન એક ટૂંકા સ્વપ્ન જેવું લાગેલું હોય પરંતુ તેઓ જીવનને ભરપુર માણીને તથા ચાહીને આ જગતમાંથી ગયા છે. ખરા અર્થમાં ભાતીગળ તથા અર્થસભર જીવન જીવીને કવિ સીધાવ્યા. ભાષાકર્મના છેલ્લા શ્વાસ સુધી ઉપાસક રહેલા કવિ સરોદ સદેહે આપણી વચ્ચે નથી તેનો રંજ છે. પરંતુ તેઓ જે શબદપુષ્પોનો બાગ મૂકીને ગયા છે તે સદાકાળ મધમધતો રહે તેવો સમૃધ્ધ અને હર્યોભર્યો છે. કવિની જન્મ શતાબ્દી (૧૯૧૪)ના વર્ષમાં તેમની સ્મૃતિને તાજી કરીને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. કવિએ જે ભવ્ય તથા ભાતીગળ વ્યોમનું દર્શન તેમના જીવનમાં કરેલું છે તે સૌને ઉપલબ્ધ છે. પરંતુ તે માટે આ કવિની દ્રષ્ટિએ દર્શન કરવાની પૂર્વશરત છે. કવિને પોતાના આ વ્યોમની ભારે મહત્તા છે અને તેથીજ તેને કવનમાં ઢાળીને અહોભાવપૂર્વક લલકારે છે.

ઓહો મારું વ્યોમ !

સૂર તુલસી કબીર ધનો

દાદુ ને રઇદાસ,

નરસી મીરાં દયા અખો

અજવાળે આકાશ,

કોઇક ચમકે સૂરજ જેવા

કોઇક જાણે સોમ !

ઓહો મારું વ્યોમ !

જે કવિએ આવા બધા મર્મજ્ઞોની ઝળાહળા થતી જ્યોતના દર્શન કર્યા છે તેમની વાણીમાં ચીનગીરી ન પ્રગટે તેવું કેમ બને ? અલખના અંબારને કવિએ આકંઠ માણ્યો છે. કવિના કાવ્યોમાં જે શબ્દો પ્રગટ થયા છે તેમાં સ્વામીદાદા (સ્વામી આનંદ) કહે છે તેમ ‘‘ ઘૂંટેલી ભાષાનું ઊંડાણ ’’ છે. કવિના શબ્દો અંતરની આરતમાંથી ઉઠ્યા છે અને સાહિત્ય જગતમાં પ્રસર્યા છે તેમજ છવાયા છે. આખરે તો જે અંદરથી ઊગે છે તે જ ભાવકોના હૈયા સોંસરવું જાય છે. કવિ રાજેન્દ્ર શુક્લના સુંદર શબ્દો યાદ આવે.

હૈયુ જો હેલે ચડે ગાણું તો જ ગવાય

જે અંદરથી ઉઘડે તે સોંસરવું જાય.

કવિ ‘સરોદ’ ના ઉપનામથી ભજનો અને ‘ગાફિલ’ ના ઉપનામથી ગઝલો લખતા હતા. સર્જનની આ બન્ને પ્રકારની રચનાઓમાં કવિએ પોતાની અલગ ભાત ઊભી કરેલી છે. ન્યાયધિશ તરીકે અનેક સ્થળોએ સેવા આપ્યા બાદ ૧૯૭ર થી અમદાવાદની સ્મોલ કોઝ કોર્ટમાં જજ તરીકે કામ કરતાં હતા. કોલેજના અભ્યાસકાળ દરમિયાનજ તેમનું કાવ્યસર્જન શરૂ થઇ ગયુ હતું. કાયદાના આ અભ્યાસુ જજની અંતરની ઊંડી શ્રધ્ધા પરમપિતા પરમેશ્વર તરફ સ્થિર થયેલી હતી. કવિના શબ્દોમાં આવી પ્રભુ-નિષ્ઠા સુંદર શબ્દોમાં વ્યકત થઇ છે.

મારો રોડવનારો રામ

સારું – નરસું કાંઇ ન જાણું,

જાણું ન એનું દામ રે,

મારો રોડવનારો રામ.

જગતનિયંતાને જીવનની તમામ ગતિવિધિઓના ચાલકબળ તરીકે કવિએ નિહાળ્યા છે. આથી આ કુદરત સર્જીત ઘટમાળની કોઇ ઘટના તરફ કવિને વિશેષ ભાવ કે કુભાવ નથી. જે સ્થિતિ છે તેનોજ આભારવશતાથી સ્વીકાર છે. કવિ અસ્વીકારના નહિ પરંતુ સ્વીકારના માણસ છે.

અમને ભલા શું હોય

ખુશી, હોય યા ગમી ?

એણે દીધી, સ્વીકાર કર્યો

એ દશા ગમી

કાંઠે ઉતરતાં કહેવું પડ્યું

વિશ્વસિંધુને, જીવન ગમ્યું,

જુવાળ ગમ્યો, જાતરા ગમી,

ભજન સાહિત્યના સંદર્ભમાં વાત થતી હોય ત્યારે કવિ મકરંદ દવેની સ્મૃતિ સહેજે થાય. ભજનના આ ભાતીગળ પ્રદેશમાં જે ડગ ભરે તે તો ભવપાર તરીને જીત મેળવવાજ સર્જાયેલો છે. શરત માત્ર એટલીજ છે કે આ પ્રદેશમાં ડગ માંડતા પહેલા તમામ ગ્રહો – પૂર્વગ્રહો છોડવા પડે છે. મકરંદી મીજાજમાં કહેલાયેલા આ શબ્દો એકવાર સાંભળો પછી મનમાંથી ખસે તેવા નથી.

આવ હવે તારા ગજ મૂકી

વજન મૂકીને વરવા

નવલખ તારા નીચે બેઠો

ક્યા ત્રાજવડે તરવા

ચૌદ ભૂવનનો સ્વામી આવે

ચપટી ધૂળની પ્રીતે રે… મનવા !

ભજન કરે તે જીતે

વજન કરે તે હારે… રે મનવા ! …

આ ભજન પરંપરા અને મધ્યયુગના આપણાં સંત-કવિઓનો ‘‘અંદાજે-બયાં’’ જૂદો તરી આવે તેવો હતો. શ્લોક અને લોક વચ્ચેનું રૂડું અનુસંધાન આ ભક્ત કવિઓએજ કરી આપેલું છે. મેઘાણીભાઇ તો લખે છે કે આ સંત સાહિત્યનો, ભજનવાણીનો પ્રસાદ જો ન મળ્યો હોત તો એક કરુણાંતિકા સર્જાઇ હોત ! કારણ કે શાસ્ત્રોની અમૂલ્ય વાતો લોક સુધી ભક્ત કવિઓ સિવાય કોણ પહોંચાડી શકત ? ઋષિવર્ય વાલ્મીકીનું રામાયણ શ્રેષ્ઠ હોય તો પણ ઘર ઘર સુધી, જન-જન સુધી રામકથા તો સંત તુલસીદાસ રચિત રામચરિત માનસ થકી વિશેષ પહોંચી શકી. રવિ સાહેબ તથા ગંગાસતી જેવા સાધકોની શબ્દ સાધનાથી આપણું ભજન સાહિત્યા ઝળાહળા છે. ભજનના આ સર્જકોની વાણી તો ગંગાના પ્રવાહ જેમ નિર્મળ અને સમથળ રહી છે. કવિ શ્રીમકરંદ દવે કહે છે તેમ આ ભજનવાણીની ગંગોત્રી સુરતા છે તો એનો ગંગાસાગર છે શબદ. સુરતા અને શબ્દનો સુયોગ એજ ભજનની ખરી પરીતૃપ્તિનો અનુભવકરાવે છે. ભક્તોને મન તેનીજ ખરી કિમ્મત છે. ભજન માર્ગે સમજપૂર્વક પગલા પાડનારા ભક્તિમાર્ગના ખરા ઉપાસકો છે.

વનવગડાની કાંટું, એમાં

ફૂલડાં કેરી ફાંટું, રામ

એવી ભક્તિની વાટું.

      ભજન એ ભક્તના અંતરમાંથી સહજ રીતે પ્રગટેલી વાણી છે. સરોદ લખે છે તેમ ભજન એ માલિક સાથેની કે માલિક સંબંધેની ‘‘દો દો બાતાં’’ છે. આ શબ્દોની સંગત માણવા જેવી છે. કબીર સાહેબ કહે છે :

શબદ – જહાજ ચઢો, ભાઇ હંસા, અમરલોક લે જાઇ હો,

તહાંકે ગયે કછુ ભય નહિ વ્યાપે, નહિ કાલ ઘર ખાઇ હો,

કહ કબીર સુનો ભાઇ સાધો,અચરજ બરનિ ન જાઇ હો,

પ્રેમ આનંદકી નૌબત બાજી, જીત નિશાન ફિરાઇ હો.

મધ્યયુગના ભજનીક સંતોને મેઘાણીભાઇએ ‘‘કવિભક્તો’’ કહ્યાં છે તે સર્વથા ઉચિત છે. આ સંતવાણીના સર્જકો તથા વાહકોજ ખરાં અર્થમાં મીરાં – કબીર અને નરસિંહના અનુગામીઓ હતા. ઊર્મિના ઊંડા આવેશથી તેમની રચનાઓ હરી ભરી રહી છે. કોઇ પ્રસિધ્ધિ કે કીર્તિ માટે તેમની કલમ ચાલી નથી. અખંડ ધણી સાથેના અનુસંધાન માટેની જ ભક્ત-કવિઓની આજીવન શબદ ઉપાસના રહી છે. ઘણાં સંત-કવિઓ સામાન્ય ગ્રહસ્થજીવન ગાળીને તથા પોતાની સાંસારીક જવાબદારીઓ પાર પાડતા પાડતા હરઘડી ભજન મસ્તીમાં રત રહેલા છે. આડંબર કે મોટાઇનો કોઇ ભાવ તેમના જીવન કે કવનમાં લેશમાત્ર જોવા મળતો નથી. આતમને જગાડતી તેમની વાણી કાળજયી છે. અલખ ધણીને પોતાની પૂજા સ્વીકારી લેવાની તેમાં આર્તવાણી છે.

પૂજા મારી માની લેજો

સ્વામી સૂંઢાળા રે…

ગણપતિ દેવા રે…

ખોલો મારા રુદિયાના તાળાં રે…

      ઇતિહાસ જેને ભક્તિ આંદોલનના કાળખંડ તરીકે ઓળખાવે છે તે ભક્તિ આંદોલનનો આ પ્રવાહ સદીઓ સુધી આપણી સંસ્કૃતિ અને પરંપરાને સાચવીને ઊભો છે. ત્યાં કોઇ જાતિ પાતિને સ્થાન નથી. ઊંચ-નીચનો વિચાર સુધ્ધા નથી.

જાતિ – પાતિ પૂછે નહિ કોઇ

હરિ કો ભજે સૌ હરિકા હોઇ.

વીજળીના ચમકારે સંતવાણીના આ સર્જકોએ મોંઘેરા મોતી આતમ સૂઝથી પરોવ્યા છે. તેમણે જે શબ્દ થકી ઉપાસના કરી છે તેનો સૂર તો તેમને ભીતરથી પ્રાપ્ત થયેલો છે. દોરંગી દુનિયાની ગલીકૂંચીમાં આ સર્જક ભૂલો પડ્યો નથી. જગતના વ્યવહારોની કડવી-મીઠીનો કાવો કરીને આ સર્જકોએ હોંશભેર પીધો છે. સરોદ સાહેબ લખે છે :

દુનિયા દોરંગી એને દવલી ન લાગે

એ તો મોતનોય  કરતો મલાવો

કહે છે કે દુનિયાની કડવી ને મીઠી ભાઇ

હોંશે પી જાવ કરી કાવો

હેજી ! મારે ભીતર બોલે કોઇ બાવો

સહુને કહે છે આવો આવો.

સરોદ પોતાની કેફિયત રજૂ કરતાં કહે છે કે તેમની ભજનવાણી કોઇ અવતારી પુરુષની પ્રેરણાથી થયેલી છે. પ્રભુની કૃપાદ્રષ્ટિથી ભજનો લખાયા છે તેવી દ્રઢ પ્રતિતિ ધરાવનારા આ સર્જક ભકિત અને શ્રધ્ધાના બળે જીવનમાં ચાલ્યા છે તથા સહજ રીતેજ મહોર્યા છે. ભજનની ઉજવળ ધારા સહીઓથી નિરંતર વહેતી રહી છે. અનેક સામાન્ય લોકોને ભજન સાહિત્યમાં પોતાની લાગણી-શ્રધ્ધા તથા પ્રભુનિષ્ઠાના દર્શન થયા છે. આથી જ ભજનવાણી સમાજ જીવનમાં હંમેશા જીવંત તથા ધબકતી રહેલી છે. ‘સરોદ’ આપણાં ભજનસાહિત્યના સદાકાળ જીવંત સર્જક છે. ‘સરોદ’ની ભજનવાણીમાં ડૂબકી મારીને એક અનોખા આનંદની અનુભૂતિ થાય છે.

Blog at WordPress.com.

Up ↑