: સંસ્કૃતિ : : ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત : : ગુજરાત મોરી મોરી રે :

ગુજરાતનો સ્થાપના દિવસ હોય અને પ્રિય ઇન્દુચાચાની સ્મૃતિ ન થાય તેવું બનવાનો સંભવ નથી. દેશની મુક્તિ માટેના મુક્તિ સંગ્રામનું સુકાન ગાંધી નામના એક ગુજરાતના હોનહાર પુત્રે સંભાળ્યું. સ્વતંત્ર દેશના બંધારણીય મૂલ્યોના જતન માટે લડાયેલી ઐતિહાસિક લડતનું નેતૃત્વ વીરતા અને નિષ્ઠાની જાગૃત પ્રતિકૃતિ સમાન જયપ્રકાશ નારાયણે સંભાળ્યું. કવિગુરુ ટાગોરની સુજલામ સુફલામ ભૂમિના શિસ્તબધ્ધ સેનાની સુભાષબાબુએ વિદેશની ધરતી પરથી માભોમની મુક્તિ માટેનો રણટંકાર કર્યો. ગાંધી – જયપ્રકાશ અને સુભાષબાબુએ કરેલા અલગ અલગ સંગ્રામની હરોળમાં સ્થાન મેળવી શકે તેવો ગુજરાત મેળવવાનો ભાતીગળ સંઘર્ષ ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યો. ‘‘અમીર શહેરના આ ફકીર બાદશાહ’’ ના આતમની અમીરાત સાથે સતત ઝઝૂમતા રહેવાની શક્તિ થકી ગુજરાત અને આપણે સૌ ગુજરાતીઓ ઉજળા છીએ. ઉમાશંકર જેવા કવિઓએ ગાયેલી તથા બીરદાવેલી આ ગુજરાતની ભૂમિના સૌ પુત્રોને ગુજરાતનું ગૌરવ ધારણ કરવાનો હક્ક ખરો પણ સાથે આ કવિએજ માર્મીક પંક્તિઓમાં પૂછેલા પ્રશ્નો પણ વિસરી જવાનું પાલવે તેવું નથી. આપણી ભાષાના સમર્થ કવિ ઉમાશંકર જોશીએ જે પ્રશ્નો તેમની આ પ્રસિધ્ધ પંક્તિઓમાં કર્યા છે તે પ્રશ્નો પરત્વે આપણાં તરફથી અવગણના કે વિસ્મૃતિ થાય તો તે આપણાં સૌની સામુહિક અને ભરપાઇ ન થઇ શકે તેવી ખોટ ગણાશે.

ગાંધીને પગલે પગલે તું

ચાલીશને ગુજરાત ?

સત્ય – અહિંસાની આંખે તું

ભાળીશને ગુજરાત ?

બિરુદ વિવેક બૃહસ્પતિનું જે

પાળીશને ગુજરાત ?

      ઇન્દુચાચાના જીવનમાં અને વ્યવહારમાં એક અલગ પ્રકારની ગરીમા હતી. જેના કારણે આ ફકીર બાદશાહની સ્મૃતિ ચિરંજીવી રહી છે. મહાગુજરાત મેળવવા માટેના ઐતિહાસિક સંઘર્ષનું નેતૃત્વ ઇન્દુચાચાએ કર્યું. આ સંઘર્ષમાં અનેક બાબતોમાં તેઓ ગાંધીના પગલે ચાલ્યા. વ્યાપક રીતે યુવાનોને સંઘર્ષની ગતિવિધિઓ સાથે સક્રિય રીતે જોડવાનું કાર્ય આ લડતના કર્ણધાર ઇન્દુલાલ યાજ્ઞિક કરી શક્યા. જે પધ્ધતિથી ભવિષ્યમાં વર્ષો પછી જયપ્રકાશજી યુવાનોને લડતમાં જોડવાના હતા તેજ બાબતનું એક સફળ ઉદાહરણ ઇન્દુચાચાએ દેશ સમક્ષ રજૂ કર્યું. ઇન્દુચાચાએ પોતાની આત્મકથા લખીને મહાત્મા ગાંધીની જેમજ આપણાં પર ઋણ ચઢાવેલું છે. આપણાં કર્મશીલ નેતા સનત મહેતાની દ્રષ્ટિ અને બળ તેમજ ભાઇ ડંકેશ ઓઝાની મહેનતથી ઇન્દુચાચાની આત્મકથા આપણને લાંબા સમય બાદ નવા સ્વરૂપે મળી. ગુજરાતે અનેક નેતાઓ જોયા તથા અનુભવ્યા છે. આ બધાની વચ્ચે ચાચાના વિચારોની દ્રઢતા અને કાર્યની વિજળીક ગતિ તેમને અન્ય લોકોથી જુદા પાડે છે. શ્રીમતી લીલાવતી મુનશીએ યથાર્થ રીતે લખ્યું છે કે           ‘‘ ઇન્દુલાલ એટલે એક્સપ્રેસ ટ્રેનની ઝડપ અને બાળકનું તોફાન ’’ કોઇપણ ક્ષેત્રના વ્યવહારોમાં જ્યારે નિષ્ઠા સાથે બાળ સહજ નિર્દોષતાનો ભાવ ભળે છે ત્યારે સમાજ પર તેની ઊંડી અસર થતી હોય છે. આઝાદી મળ્યા બાદ જેવી દ્રઢતા અને નિષ્ઠા રાષ્ટ્રીય સ્તરે જયપ્રકાશ તથા ડૉ. લોહિયામાં જોવા મળી તેજ મોંઘેરી ચીજોનું દર્શન ગુજરાતને ઇન્દુલાલ યાજ્ઞિકમાં થયું. અમદાવાદે વારંવાર તેમને પોતાના પ્રતિનિધિ તરીકે ભારતની લોકસભામાં મોકલ્યા. સાબરમતીના તીરે વસતા શાણા નાગરિકો ઇન્દુલાલની કિમ્મત આંકી શક્યા તેમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય.

      ઇન્દુચાચા પોતાના માટે લખે છે :

      ‘‘ મારા વિશે કેટલાકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત તો ઊંચો હોત. હનુમાનની માફક હૂપાહૂપ કરું છું તેથી કંઇ મેળવી શકતો નથી, પરંતુ હું કાર્ય રાજકીય દ્રષ્ટિથી નહિ પરંતુ માનવતાની દ્રષ્ટિથી કરું છું… મારો ધર્મ બજાવવામાં અંતરાયરૂપ લાગતા મેં સંસ્થાઓ અને હોદ્દાનો ત્યાગ કર્યો છે. હું મૂર્તિપૂજક નથી…. પરંતુ છાતી ઠોકીને કહી શકું છું કે કદી રાજરજવાડાં, જમીનદાર કે શેઠ શાહુકારની ગોદ કે ઓથ લીધી નથી. ’’ આથીજ આ વણથાક્યા પથિકે કોંગ્રેસ છોડી ત્યારે સરદાર વલ્લભભાઇએ પૂછ્યું કે હવે શું કરશો ? તેનો જવાબ વાળતા આ એકલવીર કહે છે : ‘‘હવે એકલા હાથે સેવા કરીશું.’’ ગમે તેવા તોફાની સમુદ્રમાં પણ પોતાની નાવ શ્રધ્ધાતથા નિષ્ઠાના બળે ઝૂકાવનાર ઇન્દુચાચાની જીવનગાથા યુવાનોના ખમીરને પ્રગટાવે તેવી શક્તિશાળી તથા જ્વલંત છે. ચાચાના અનેરા આત્મવિશ્વાસ અને પ્રચંડ જનપ્રતિસાદથી મોંઘેરી ગુજરાત ગુજરાતીઓને પ્રાપ્ત થઇ શકી.

ફંગોળે તોફાની તીખાતા વાયરા

મુંઝાયે અંતરના હોયે જે કાયરા

તારી છાતીમાં જૂદેરું કો શૂર છે,

બંદર છો દૂર છે

જાવું જરૂર છે !

બેલી તારો ! બેલી તારો !

બેલી તારો તું જ છે.

      જીવનના દરેક તબક્કે સંઘર્ષને નોતરૂ આપનાર આ મહામાનવના ભાષાપ્રેમની પણ એક અલગ હકીકત છે. ગુજરાતી ભાષા પરનું તેમનું પ્રભુત્વ ખૂબજ નોંધપાત્ર હતું. તેમના લખાણો કે પ્રવચનોની ભાષામાંથી આ બાબત સ્પષ્ટ થાય છે. તેમની ભાષામાં એક તળપદી છાંટ જોવા મળે છે. સરદાર સાહેબના બારડોલી લડત પ્રસંગોના પ્રવચનોમાં અનોખી લઢણ અને અસરકારક તેમજ ધારદાર શબ્દપ્રયોગો જોવા મળે છે. આવીજ કંઇક બાબત ઇન્દુચાચાના મહાગુજરાત સંઘર્ષ સમયના પ્રવચનોમાં જોવા મળે છે. અંગ્રેજીમાં પણ તેઓ અસરકારક રીતે પ્રવચન કરી શકતા હતા. મુક્તિ સંગ્રામમાં ગાંધીજીના વિચારોથી ભિન્ન વિચાર ધરાવતા હોય અને  તેને જાહેરમાં પ્રગટ કરતા હોય તેવા આંગળીના વેઢે ગણી શકાય તેટલા નેતાઓ હતા. ઇન્દુચાચા આવા નેતાઓ પૈકી એક હતા. આમ છતાં સમગ્ર મુક્તિ સંગ્રામમાં બાપુની અનિવાર્યતાની વાત તેમણે અનેક પ્રસંગોએ ભાવપૂર્વક કરી હતી. ચાચાએ આત્મકથા લખી ત્યારે પણ પોતાની આત્મકથામાં નાયક તો ગુજરાતની જનતાજ હોય તેવો તેમનો કેન્દ્રવર્તી વિચાર હતો.

      પહેલી મે ના શુભ દિવસે વિશ્વભરના ગુજરાતીઓ મહાગુજરાત ચળવળના જનક ઇન્દુચાચાને હમેશા યાદ કરશે.

Leave a comment

Create a free website or blog at WordPress.com.

Up ↑