નાનાભાઇનું વિરાટ વ્યક્તિત્વ :

આપણાં ગુજરાત માટે ૨૦૧૦ નું વર્ષ એક યાદગાર વર્ષ હતું. જૂના મુંબઇ રાજ્યનું વિભાજન થઇને મહારાષ્ટ્ર અને ગુજરાત બે સ્વતંત્ર રાજ્યોની રચના કરવામાં આવી. વર્ષ ૨૦૧૦ એટલે આપણાં રાજ્યની સ્‍થાપનાનું સુવર્ણ જયંતિ વર્ષ. તેની ભાવભરી ઉજવણી રાજ્ય સરકાર ઉપરાંત ઘણી બધી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓએ કરી. ઘણાં બધા લોકોએ વ્યક્તિગત રીતે પણ સ્વેચ્છાએ ઉજવણીમાં પોતાનું યોગદાન સમાજ ઉપયોગી કાર્યો કરીને કે તેમ કરવાનો સંકલ્પ કરીને નોંધાવ્યું. જે કેટલાક મહત્વના કામો થયા તેમાં મારા નમ્ર મતે આ વર્ષમાં ભાઇશ્રી રમેશભાઇ સંઘવીએ તેમના ગ્રામદક્ષિણામૂર્તિના સંભારણા લખ્યા તે છે. આ પુસ્તકનું પ્રકાશન તો વર્ષ ૨૦૧૧ માં થયું. પરંતુ તેનું વિચારબીજ ૨૦૧૦ ના ઐતિહાસિક વર્ષમાં રોપાયું તેમ પુસ્તકના પ્રારંભે જ શ્રી ભરતભાઇ ભટ્ટ (નાનાભાઇના સુપુત્ર) જણાવે છે. શ્રી રમેશભાઇ સંઘવી તથા તેમના પરિવાર વિશે ગુજરાતના લોકોને પરિચય આપવાની ભાગ્યે જ જરૂર હોય. ગાંધીજીના આદર્શોને કેન્દ્રમાં રાખીને જીવનક્રમ-વ્યવહારક્રમ ગોઠવ્યા હોય તેવો આ પરીવાર છે. સ્વ. મણીભાઇ સંઘવીના સંસ્કાર શ્રી રમેશભાઇ તેમજ અન્ય ભાઇઓમાં સાંગોપાંગ સંચર્યા છે. ‘ગ્રામદક્ષિણામૂર્તિ’ શિર્ષક સાથેના આ પુસ્તકના વિચારપૂર્ણ માધ્યમથી કેળવણીના પવિત્ર યજ્ઞની ધૂણી ધખાવનાર આજીવન શિક્ષક એવા નાનાભાઇના જીવન તથા તેમની કાર્યપદ્ધતિ વિશે મહત્વની જાણકારી પ્રાપ્ત થાય છે. શિક્ષણના યજ્ઞ-કાર્યમાં અપાયેલી આ આહૂતિઓ આજે પણ એટલી જ પ્રાસંગિક છે. શિક્ષણની અર્થપૂર્ણતા તથા તેની ગુણવત્તા બાબત આજે જ્યારે વ્યાપક ચર્ચાઓ ચાલે છે ત્યારે નાનાભાઇ જેવા શિક્ષણ મહર્ષિ વિશે સમાજના તમામ વર્ગના લોકો વિશેષ માહિતિ મેળવે તે ખૂબ જ ઇચ્છનિય અને આવકાર્ય છે. માનવીના હૈયામાં ધરબાઇને પડેલા સત્વને ઉજાગર કરવાની વાત ક્યારે પણ અપ્રસ્તુત હોઇ શકે ખરી? નાનાભાઇના શિક્ષણના ક્ષેત્રના પ્રયોગોનું દર્શન કર્યા પછી કોઇને પણ વિચાર થાય કે આજે કેળવણીના આ પવિત્ર કાર્યમાં આપણે સાચી દિશામાં ગતિ કરીએ છીએ કે કેમ. ઋષિતુલ્ય મહામાનવ નાનાભાઇનું જીવનકાર્ય નિ:સંદેહ સમાજને આજે પણ માર્ગદર્શક બની શકે તેવું છે. આથી જ આ પુસ્તકનું પ્રકાશન એ સંપૂર્ણ રીતે સુયોગ છે. લેખક જાતે આ સંસ્થામાં ભણ્યા તેથી તેમના આલેખનમાં રોચક હકીકતો તો છે જ પરંતુ લાગણીની ભીનાશ પણ તેમાં સહજ રીતે જ ભળી છે. ગુજરાત રાજ્યની સ્થાપનાના આ ઐતિહાસિક માસમાં તેમની પાવન સ્મૃતિને વંદના કરીએ.

 શ્રી નાનાભાઇ (૧૮૮૨ થી ૧૯૬૨) એ સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર વ્યક્તિ હતા અને ભાવનગરની પ્રતિષ્ઠિત શામળદાસ કોલેજમાં અધ્યાપક તરીકે નીમાયેલા હતા. તેમણે ધાર્યું હોત તો તેઓ સુખચેનથી આરામદાયક જીંદગી ગાળી શક્યા હોત. પણ તેઓ જૂદી માટીના માનવી પુરવાર થયા. કોલેજમાં તેમની શૈક્ષણિક કૂશળતાને કારણે તેમજ કાર્ય પ્રત્યેની નિષ્ઠાને કારણે તેઓ સહ-અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓમાં સન્માનિત હતા. પરંતુ આ મોટા પગાર કે સુવિધાયુક્ત જિંદગીથી તેમને આંતરિક સંતોષ પ્રાપ્ત થતો નથી અને છેવટે મુક્ત પંખીની લાગણી જેવા ખેંચાણને કારણે નોકરીની સલામતીને સ્વેચ્છાએ ઠોકર મારે છે. તે સમયના ભાવનગરના મહારાજા તથા વિચક્ષણ દિવાન સર પ્રભાશંકર પટ્ટણીએ પણ સારા પગારની, પ્રતિષ્ઠાયુક્ત કોલેજની નોકરી ન છોડવા નાનાભાઇ સમજાવ્યા. પરંતુ નાનાભાઇની દ્રષ્ટિ ચોક્કસ હતી, ધ્યેય સ્પષ્ટ હતું તેથી તેઓ રોક્યા રોકાય તેમ ન હતા. પોતાના આરાધ્યદેવ ‘દક્ષિણામૂર્તિ’ના નામથી ભાવનગરમાં એક શૈક્ષણિક સંસ્થાનો તેઓ પ્રારંભ કરે છે અને તેમાં પોતાની સંપૂર્ણ શક્તિ લગાવે છે.

દુનિયાના ઘણાં મહત્વના કામો આવા વ્યક્તિગત રીતે અઘરા એવા નિર્ણયોથી જ થતા હોય છે. કેટલાયે ક્રાંતિકારીઓ કે જેઓ તેમના સમયમાં ઉચ્ચશિક્ષણ પામ્યા હતા તેમણે માતૃભૂમિની મુક્તિ માટે ફના-ફાતિયા થવાનો નિર્ણય સ્વેચ્છાએ જ કર્યો હતો. કોલેજની માસિક ૨૫૦ રૂપિયાના પગારની નોકરી છોડી દક્ષિણામૂર્તિમાં ૫૦ રૂપિયાનો પગાર સ્વીકારનાર આ કેલવણીકારે શિક્ષણના ક્ષેત્રમાં નવા ચીલા પાડ્યા. દક્ષિણામૂર્તિની સ્થાપનાને એક સદી જેટલો સમય પસાર થયો છતાં આજે પણ નાનાભાઇ તથા તેમનું ઉત્તમ સર્જન ‘દક્ષિણામૂર્તિ’ સમાજ માટે પ્રેરણાના સ્ત્રોત સમાન છે. આ સંસ્થામાં સૌથી મહત્વની વાત એ વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણની હતી. છાત્રાલયને કુટુંબનો દરજ્જો આપવાનું મુશ્કેલ કાર્ય નાનાભાઇએ એકનિષ્ઠાથી કરી બતાવ્યું. બાળકને વિકસવા માટે, પુષ્પની જેમ ખીલવા માટે અહીં સાનુકૂળ વાતાવરણ હતું. ભય કે લાલચ જેવા સાધનોનો ઉપયોગ કર્યા સિવાય બાળકોની નૈસર્ગિક આંતરિક શક્તિને વિકસાવવાનું અહીં આયોજન હતું. નાનાભાઇની શિક્ષણ સાધના એ જ એમનો જીવનમંત્ર હતો. ઉપનિષદોમાં જે વિચાર તથા આચારના ઐક્યની વાત કરી છે તે ભૂમિકાએ જ નાનાભાઇ જીવ્યા. એ કાળમાં દક્ષિણામૂર્તિ ખરા અર્થમાં કેળવણીના ક્ષેત્રમાં નવપ્રસ્થાન જેવી વિરલ ઘટના હતી. બીલખા આશ્રમના સંત શ્રી નથુરામ શર્માની નાનાભાઇ પર ઉંડી અસર હતી. શ્રી નથુરામ શર્માની ઇચ્છા કોઇ શૈક્ષણિક સંસ્થા શરૂ કરવાની હતી. જેમાં શ્રી નાનાભાઇના ભૂમિગત પ્રયાસો ભળ્યા અને દક્ષિણામૂર્તિનો શુભારંભ થયો. સાવ સાદી રીતે થયેલી આ નાની શરૂઆત ખરેખર તો વિરાટના પગલા સમાન હતી. નાનાભાઇનો પરસેવો અને નિષ્ઠા જે સંસ્થાને ખાતર તરીકે મળ્યાં તેની પ્રગતિ કોણ રોકી શકે? દક્ષિણામૂર્તિમાં નાનાભાઇ જેવા ખરા અર્થમાં આચાર્ય પ્રાપ્ત થયા અને તેમના વાણી-વર્તન-વ્યવહારની ઉંડી અસર છાત્રો પર સ્વાભાવિક રીતે જ પડી. નાનાભાઇને સાથીદારો તરીકે પણ ગિજુભાઇ, હરભાઇ જેવા સમર્થ કેળવણીકારો મળ્યા.

         દક્ષિણામૂર્તિમાં જે કેટલાંક નવા મૂલ્યોની સ્થાપના નાનાભાઇએ કરી તેના કારણે જ આ સંસ્થાનું આંતરિક સ્વરૂપ ઝળાહળા થયું. છાત્રાલયના કોઇ વિદ્યાર્થીને દંડ કે શિક્ષા થતાં નથી. ઉઠબેસ કરાવાતી નથી. કોઇને ‘ઠોઠ’ કહીને તેના ગૌરવની હાનિ કરવાનો પ્રશ્ન જ નથી. બાળકોનું સંસ્કાર ઘડતર ચોક્કસ થાય પરંતુ તે સંપૂર્ણપણે પારિવારિક સ્પર્શથી, લાગણી અને હૂંફના હથિયારથી. પુસ્તકિયા કેળવણીના વિકલ્પની ખોજ નાનાભાઇના મનમાં ધરબાઇને પડેલી મહેચ્છા હતી અને તે પૂરી કરવાનો સુવર્ણ અવસર જાણે કે ઇશ્વરે જ તેમને આપ્યો હતો. દક્ષિણામૂર્તિ ખરા અર્થમાં શિક્ષણની પ્રયોગશાળા બની રહી. કેળવણીની આ વ્યવસ્થામાં વિદ્યાર્થી જ કેન્દ્રમાં હતો. વિદ્યાર્થીના માનસને સ્પર્શ કરીને તેનામાં ચેતનાનો સંચાર કરવાની આ નવલી વ્યવસ્થા હતી. બોર્ડિંગો-હોસ્ટેલો કેવળ રહેવા-જમવાના સ્થળો ન બને પરંતુ ‘જીવનનું વ્યાકરણ’ વિદ્યાર્થી સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવાનો-ટકાવવાનો આ એક ઐતિહાસિક પ્રયાસ હતો. અહીંયા વિદ્યાર્થીને પરીક્ષાનો ભય નહોતો કે શિક્ષા અથવા લાલચના તત્વનો સદંતર અભાવ હતો. નૂતન શિક્ષણની ઓળખ ઉભી કરવાનો તથા તેને વિકસાવવાનો આ સંન્નિષ્ઠ પ્રયાસ હતો. યોગ્ય શિક્ષણના માધ્યમથી ઘડાયેલા વિદ્યાર્થીઓ જ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે તેવી નાનાભાઇની દ્રઢ માન્યતા કોઇપણ કાળમાં પ્રસ્તુત છે, પ્રાસંગિક છે.

         નાનાભાઇની બારીક દ્રષ્ટિ શિક્ષણના તાણાંવાણાંને આબેહૂબ પારખી શકી હતી. તેઓ કહેતા : ‘કેળવણી વિદ્યાર્થીપ્રધાન છે. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે પણ વિદ્યાર્થી વિષયો માટે નથી. આ બાબત આપણાં લક્ષમાં હોત તો આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ તે પ્રમાણે વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત’ કેટલી સ્પષ્ટ વિચારસરણી ! શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’ જેવા લોકો પણ નાનાભાઇના આ નૂતન પ્રયોગથી આકર્ષાયા અને તેમની સાથે મજબૂત તાંતણે બંધાયા. જેની વાત મહાત્મા ગાંધી વારંવાર ભારપૂર્વક કરતાં તે શ્રમની પ્રવૃત્તિ પણ નાનાભાઇની શિક્ષણ પદ્ધતિમા સમાવી લેવામાં આવી હતી, તેનું વિશેષ મહત્વ હતું. કેળવણી અંગેના કેટલાંક મૂળ વિચારોનો ખરડો નાનાભાઇએ તૈયાર કર્યો અને તેને કેન્દ્રમાં રાખીને જ ચાલ્યા. ક્રાંતિકારી વિચારો છતાં વાણી-વર્તનમાં પૂરા નમ્ર નાનાભાઇ એમના જીવન દ્વારા આપણાં માટે, ભાવિ પઢીઓ માટે એક રોલ મોડેલ મૂકીને ગયા. શિક્ષણના માધ્યમથી જ સમાજનું પરિવર્તન થાય તેવી અગાધ શ્રદ્ધા તથા અભૂતપૂર્વ નિષ્ઠાથી આ આર્વાચિન ઋષિ પોતાનું જીવન જીવી ગય. કેળવણીના ક્ષેત્રમાં કાર્ય કરતા કોઇપણ વ્યક્તિ કે સંસ્થા માટે નાનાભાઇનું જીવન પથદર્શક છે અને હંમેશા રહેશે. શ્રી રમેશભાઇ સંઘવીએ પણ ગમતાંનો ગુલાલ કર્યો તે અભિનંદનને પાત્ર છે.

 *****

2 thoughts on “નાનાભાઇનું વિરાટ વ્યક્તિત્વ :

Add yours

  1. educating(educating does NOT mean teaching ) the child is one of the greatest service to humanity. persons like the great Nanabhai and institutions like Dakshinamurti are the strong roots of our gujarati culture. hats off to them for being that way. hats off to you for such articles.

Leave a comment

Create a free website or blog at WordPress.com.

Up ↑