પ્રજાની નાડ પારખનારા દિવાન

મહાત્‍મા ગાંધીએ દર્શાવેલ માર્ગે એક નિષ્‍ઠાથી આઝાદી જંગમાં લોક નિર્ભયતાનું દર્શન અહિંસક રીતે અખંડ ભારતના દરેક હિસ્‍સામાં થયું. એજ પ્રકારે સમાંતર રીતે સરફરોશીની તમન્‍ના લઇને નીકળી પડેલા કેટલાક જાગૃત તથા ભાવનાશાળી ક્રાંતિવીરોએ બેડી–રસી–ફાંસી સ્‍વેચ્‍છાએ સ્‍વીકારીને માતૃભૂમિને બંધનમુકત કરવા રોમાંચક પ્રયાસો કર્યા અને પરિણામે દેશ એક શોષણમુકત, બેજવાબદાર તથા આપખૂદ વ્‍યવસ્‍થાની નાગચૂડમાંથી મુકત થયો. પરંતુ બ્રિટિશ શાસનકાળાના રાજય કેન્‍દ્રિત વહીવટ સામે સંપૂર્ણ પ્રજાલક્ષી વહીવટના ઉજળા દ્રષ્‍ટાંતો ખારાજળમાં મીઠી વીરડી સમાન હતા.

સૌરાષ્‍ટ્રમાં ભાવનગર, ગોંડલ, પોરબંદર જેવા કેટલાક રાજયોએ પ્રજાભિમુખ વહીવટ કરીને પ્રજાનો પ્રેમ સંપાદિત કર્યો હતો. મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી, ગોંડલ નરેશ ભગવતસિંહજી કે પોરબંદરના મહારાજા શ્રી નટરવરસિંહજી જેવા ઉદાર – સહિષ્‍ણુ તથા સંવેદનશીલ રાજવીઓએ પોત પોતાના રાજયોમાં પ્રજાલક્ષી શાસનના નવા માપદંડો કાયમ કર્યા હતા. આવા શાસનની ધૂરા સંભાળનાર પુણ્‍યશ્લોક વહીવટકર્તાઓની યાદીમાં ભાવનગર રાજયના દિવાન સર પ્રભાશંકર પટ્ટણીનું નામ પણ અગ્રસ્‍થાને મૂકવું પડે. પ્રજાની નાડ પારખીને, લોકોના સાર્વત્રિક કલ્‍યાણનેજ કેન્‍દ્રમાં રાખીને પટ્ટણી સાહેબે વહીવટમાં જે માપદંડો સ્‍થાપિત કર્યા તે આજે પણ પ્રાસંગિક છે, પથદર્શક છે.

એક સમયે ભાવનગર રાજયના ટોચના વહીવટકર્તા સર પટ્ટણીને અંગત રીતે મળીને પોતાની વિતકકથા કહેવા પાંચપીપળા નામના એક નાના ગામનો દુખી-દરિદ્ર ખેડૂત ભાવનગર આવ્‍યો. આ ખેડૂત પર રાજયની મોટી વસુલાત બાકી હતી કારણ કે કેટલાક ખેતી માટે નબળા વર્ષોને કારણે ખેતીની ઉપજ ઓછી થતાં તે રાજયની વસુલાત પેટેના નાણાં ચૂકવી શકેલો નહિ.  ખાનગી શાહુકારોની પઠાણી ઉઘરાણીને કારણે જે થોડી ઘણી રકમ પણ તેની પાસે વસુલાત પેટે ભરવા માટે બચતી હતી તે શાહુકારોને ચૂકવવામાં પૂરી થઇ જતી હતી. રાજયની વસુલાત ન થતાં મહેસૂલી અમલદાર કે જેઓ થાણાદાર તરીકે ઓળખાતા હતા તેણે ખેડૂતની સ્‍થાયી મિલકતો જપ્‍તિમાં લીધા. ખેડૂતની સ્‍થાયી મિલકતો જે ગણો તે ખેતીની જમીન અને પોતે રહેતો હોય તે ખોરડા (મકાન) જ હોય. આથી થાણાદારે સામાન્‍ય પધ્‍ધતિ પ્રમાણે જ તે બન્‍ને મિલકતો જપ્‍ત કરી. ખેડૂતે દરેક અમલદારને પોતાની વાસ્‍તવિક સ્‍થિતિની કથની સંભળાવી પણ કોઇ રાહત મળે તેવો વિશ્વાસ બેઠો નહિ. ઉપર આભ અને નીચે ધરતી એવી સ્‍થિતિમાં પરિવારને બેઠેલો જોઇને આકૂળ વ્‍યાકૂળ થયેલો ધરતીપુત્ર આશાનો છેલ્‍લો તાંતણો પકડીને સર પટ્ટણીને રૂબરૂ મળવા આવ્‍યો. બહારગામથી આવનારા પ્રજાજનોને સામાન્‍ય રીતે પટ્ટણી સાહેબ તે જ દિવસે મળતાં. આ ખેડૂત મળવા આવ્‍યો ત્‍યારે તેઓ તાવની બીમારીમાં પટકાયેલા હતા છતાં રાજયનો કોઇ સાધારણ ખેડૂત તેની પરેશાનીના નિવારણ માટે બહારગામથી આવીને બેઠો છે તે વાત સાંભળી તેને મળવા બોલાવ્‍યો. ખેડૂતે કહેલી વાત શાંતિથી સાંભળી અને તેની અરજી લીધી.

ખેડૂતને હૈયાધારણ આપતાં પટ્ટણી સાહેબે કહયું કે જપ્‍તી વહેલાસર ઊઠે તેમ કરાવીશ. ખેડૂત સર પટ્ટણીને મળીને પોતાના પર આવી પડેલી આફતમાં ત્‍વરીત રાહત મળે તેવી આશા તથા શ્રધ્‍ધા લઇને ભાવનગર આવ્‍યો હતો. તેથી કદાચ પટ્ટણી સાહેબના સહાનુભૂતિના આ શબ્‍દોથી તેને સંતોષ ન થયો. આથી ખેડૂત ચોધાર આંસુએ રોઇ પડયો. કહેવા લાગ્‍યો કે દરબાર તો માબાપ છે. ખાનગી શાહુકારોનો ત્રાસ રાજયે સમજવો જોઇએ. ભાવવિભોર થઇને સહજ રીતે પ્રગટ થયેલા આક્રોશ સાથે તેણે પટ્ટણી સાહેબને સંભળાવ્‍યું કે વાળુ કરતાં હતા તે સમયે તેને તથા કુટુંબને ઘરમાંથી બહાર કાઢવા છતાં પટ્ટણી સાહેબ રાજયના દિવાન થઇને પણ તાત્‍કાલિક કંઇ ન કરી શકતા હોય તો તેમણે ચૂડીયું પહેરવી જોઇએ.

આમ કહીને ગજવામાંથી  બંગડી કાઢી તેણે પટ્ટણી સાહેબ સમક્ષ ધરી. વિચાર કરતાં પણ અચંબામાં પડી જવાય છે કે રાજાશાહીના એક હથ્‍થું શાસનના યુગમાં પટ્ટણી સાહેબ નમ્રતાથી અને ભીની આંખે આ અરજદાર ખેડૂતને જવાબ આપે છે કે તારી વાત ખરી છે ભાઇ ! એ બંગડી મને આપ, કારણ કે હું તેને લાયક છું ! માંદગી માંદગીની જગ્‍યાએ રહે છે અને તે જ વખતે રાજયનું વાહન કઢાવી ખેડૂતને સાથે લઇ સીધા મોતીબાગ ઓફીસે જાય છે. વસુલાતના વિભાગમાં કામ કરતાં અંગ્રેજ અમલદાર બર્કને આ પ્રકારનું વર્તન કરનાર ખેડૂતને કોઇ રાહત આપવાની વાત ગમી નહિ. પરંતુ પટ્ટણી સાહેબ આ બાબતે મકકમ હતા. આ ખેડૂતના તુમારનો નિકાલ કરી ખેડૂતને મિલકત પરત મળે તેવા સ્‍પષ્‍ટ હુકમો કરાવી તેમણે બસભાડાની રકમ પોતાના ખિસ્‍સામાંથી કાઢી ખેડૂતના હાથમાં મૂકીને તેને વિદાય કર્યો. શાસકમાં સર્વપ્રથમ સંવેદનશીલતાનો ગુણ હોવો જોઇએ તેમ શાસ્‍ત્રોએ કહયું છે.

કરુણાનું, સંવેદનશીલતાનું આ એક ઉજળું ઉદાહરણ છે તેમ ચોકકસ કહી શકાય. પરંતુ આ મહામાનવને માત્ર વ્‍યકિતગત પ્રશ્નનો ઉકેલ આવે તેવી ટૂંકી અને અસ્‍થાયી વ્‍યવસ્‍થામાં રસ ન હતો. તેમણે તે દિવસથી જ આ વિષયના નિષ્‍ણાતોની સલાહ લઇને ખેડૂતોના કરજ નિવારણ માટેની યોજના કરી અને ભાવનગર રાજયની આ કિસાનલક્ષી યોજનાનો પડઘો કેટલાયે રાજયોમાં પડયો અને અમુક જગાઓએ આ વિચાર ઝીલાયો પણ ખરો. આ ઋષિતુલ્‍ય રાજપુરૂષની પાવક વાણીમાંથી નીચેના શબ્‍દો પ્રગટ થાય તે સ્‍વભાવિક છે, તેમની પ્રકૃતિને અનુરુપ છે.

દુ:ખી કે દર્દી કે કોઇ ભૂલેલા માર્ગવાળાને

વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી

ગરીબની દાદ સાંભળવવા અવરના દુ:ખને દળવા

તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી

શાસકના ગુણો વર્ણવતા શાસ્‍ત્રોએ-વિદ્વાનોએ અનેક જગાએ કહયું છે કે શાસકમાં, વહીવટકર્તામાં પાયાનો ગુણ સંવેદનશીલતાનોહોવો જોઇએ. જો નૃપ દયાહીન થાય તો ધરતીના અમી પણ શોસાઇ જાય તેવી કાવ્‍યાત્‍મક વાત કલાપીની ગ્રામમાતાએ કેવી કરી છે ! ભાવનગર પુણ્‍યશ્લોક મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી તથા તેમના દીવાન સર પટ્ટણીના દીર્ઘ વહીવટકાળમાં જે કોઇ વહીવટી નિર્ણયો થયા તે દરેકે દરેક નિર્ણયમાં શાસનની પ્રજા તરફની મૂંગી છતાં મકકમ સંવેદનશીલતાનું સતત દર્શન થયા કરે છે. પટ્ટણી સાહેબ સંવેદનશીલતાનું મૂર્તિમંત સ્‍વરૂપહતા તેમ કહીએતો અતિશયોકિત ચોકકસ નહિ થાય. આથી જ આ મહામાનવોના જીવન અને તેમના કાર્યો સદાકાળ પ્રાસંગિક છે, નિત્‍ય નવા અને દિશાદર્શક છે. રાષ્‍ટ્રપિતા ગાંધીજીના વાણી તથા વર્તનમાં સમાજના ઉપેક્ષિત વર્ગો તરફથી લાગણી, સંવેદનશીલતા હમેશા જોવા મળતા હતા. પટ્ટણી સાહેબે આ ગાંધી વિચારોનો વાસ્‍તવિક તથા વ્‍યવહારુ અમલ કરી બતાવ્‍યો હતો.  

સર પટ્ટણીને માત્ર એક રાજયના કુશળ દીવાન ગણાવીએ તો તેમના વિશાળ વ્‍યકિતત્‍વના એક નાના ભાગનો જ તેમાં સમાવેશ થાય. આ એક એવા મહાનુભાવ હતા કે સમગ્ર કાળખંડ પર તેમના ઓજસ્‍વી વ્‍યકિતત્‍વની તથા તેમના કાર્યોની અસર હતી. અંગ્રેજ અમલદારો બરાબર જોઇ શકતા હતા કે સર પટ્ટણીનો કાર્યક્ષમ વહીવટ તથા તેનાથી રાજયને થતાં ફાયદા દ્રષ્‍ટાંતરૂપ બાબતો હતી. પ્રજાનો વ્‍યાપક પ્રેમ સંપાદન કરીને રાજયના હિતમાં સર્વશ્રેષ્‍ઠ હોય તેવી બધી જ બાબતોનો અમલ કરવામાં પટ્ટણી સાહેબના નેતૃત્‍વ નીચે ભાવનગર રાજયે પહેલ કરી હતી. ગાંધીજી પણ આ બાબત જોઇ શકયા હતા અને તેના આજીવન પ્રશંસક હતા. ૧૮૯૬ માં મહારાજા તખ્‍તસિંહજીનું અવસાન થતાં ભાવસિંહજી (બીજા)નો રાજયભિષેક થયો. મહારાજા ભાવસિંહજીને પટ્ટણી સાહેબનો જૂનો પરિચય હતોજ. રાજકુમાર કોલેજમાં સર પટ્ટણી જ તેમના ટયુટર હતા. આથી ભાવસિંહજી સમજતા હતા કે સર પટ્ટણીના હાથમાં રાજયનું વહીવટી સુકાન સોંપવામાં આવે તો રાજયનો સર્વગ્રાહી વિકાસ ચોકકસ થાય અને પોતાને રાજા તરીકે યશ પણ મળે.

પરંતુ તે સમયે ભાવનગર જેવા મોટા રાજયનું દીવાનપદ સ્‍વીકારવા સર પટ્ટણી તૈયાર ન થયા. એ કહેવાની ભાગ્‍યેજ જરૂર હોય કે ભાવનગર જેવા મોટા તથા જાણીતા રાજયના સર્વોચ્‍ચ વહીવટી પદ માટે અનેક લોકોને આકાંક્ષા હોય તે સ્‍વભાવિક છે. સર પટ્ટણીની ભૌતિક બાબતો તરફની અનાસકિતનું આ એકમ ઉજળું ઉદાહરણ છે. ભાવસિંહજીના ખૂબજ આગ્રહને કારણે જો કે તેઓ મહારાજાના સેક્રેટરી તરીકે ભાવનગર રાજયની નોકરીમાં જોડાયા. ત્‍યારબાદ પણ બીજા એક પ્રસંગે તેમણે આજ પ્રકારનું વલણ લઇને દીવાનપદનો સ્‍વીકાર ન કર્યો. છેવટે શ્રી વજેસંગ ગૌરીશંકર ઓઝાના રાજીનામા બાદ તેમણે ૧૯૦૨ માં દીવાનપદ સ્‍વીકાર્યુ. સર પટ્ટણી દીવાન થયા ત્‍યારે ભાવનગર રાજ્ય દેવા તળે દબાયેલું હતું. આર્થિક બાબતોમાં પણ કૂશળ હકીમની જેમ તેમણે એવા વહીવટી ઇલાજો પ્રયોજ્યા કે ૧૯૪૮ માં ભાવનગર રાજ્ય સૌરાષ્‍ટ્ર સરકાર સાથે જોડાયું ત્‍યારે રાજ્યની તિજોરીમાં અઢાર કરોડ રૂપિયાની પુરાંત હતી ! છતાં પણ આંગણે આશા લઇને કોઇ આવે તો તેને ખાલી હાથે પાછા જવા દેવાની વાત તેમના સ્‍વભાવમાં ન હતી. તેમના અંતરની લાગણી નીચેના શબ્‍દોમાં વ્‍યકત થાય છે.

જગત આ ક્ષેત્ર સેવાનું મફત સેવા કરી લેવી
પ્રભુએ જન્‍મ આપ્‍યાની કરજદારી ભરી લેવી.  

વિશ્વના ભિન્‍ન ભિન્‍ન  શાસકોના સમગ્ર ઇતિહાસમાં જોઇએ તો જે લોકો પ્રજા સાથેના સંબંધોમાં સંવેદનશીલતા જાળવી શકયા છે તેવા શાસનકર્તાઓ પ્રજાનો વ્‍યાપક પ્રેમ તથા આદર મેળવી શકયા છે. રામરાજયથી માંડી ભાવનગરના છેલ્‍લા રાજવી કૃષ્‍ણકુમારસિંહજી સુધીના લોકોને આ વાત લાગુ પડે છે. શાસનની સમગ્ર વ્‍યવસ્‍થામાં દીવાનનું મહત્‍વનું સ્‍થાન ધરાવતા સર પટ્ટણી એક ખૂબજ ઉદાર નમ્ર વહીવટકર્તા હતા. સર પટ્ટણી બરાબર સમજતા હતા કે હિન્‍દુસ્‍તાનના લોકો પોતાના રાજા તરફ માન તથા આદરની દ્રષ્‍ટિથી જોતા હતાં. કારણે ભૂતકાળમાં રામ, જનક, યુધિષ્‍ઠિર, અકબર, મહારાણા પ્રતાપ જેવા રાજવીઓ પ્રજાએ જોયા હતા. આ રાજવીઓ તેમજ તેમની કક્ષાના બીજા અનેક પુણ્‍યશ્‍લોક રાજવીઓ માટે પ્રજાહિત એ સર્વસ્‍વ બાબત હતી. સૌરાષ્‍ટ્ર સિવાયના દેશના બીજા રાજયોના કેટલાક રાજવીઓએ પણ પ્રજાનો પ્રેમ તથા વિશ્વાસ સંપાદન કરીને પોતાનો ધર્મ સુપેરે બજાવ્‍યો હતો. તેમાંથી કોઇને પણ લોકસમૂહ વિસરી જતો નથી. લોકોના દિલમાં તેમના પ્રત્‍યેના આદરની જ્યોત જલતી રહે છે. ગુજરાતનાજ આવા એક બીજા દીર્ઘદ્રષ્‍ટિયુકત તથા પ્રજાહિતને લક્ષમાં રાખીને શાસન ચલાવનારા વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ને આજે પણ લોકો અંતરના આદરથી યાદ કરે છે. પિતાની જેમ પ્રજાનું લાલનપાલન કરનારા આ રાજવીઓની વાતો આજે પણ યાદ કરીને તેનો અહોભાવ વ્‍યકત કરવામાં આવે છે. રાજયના અધિકારી વર્ગે પણ રાજા તથા પ્રજાને સાંકળતી મહત્‍વની કડી સ્‍વરૂપે કામ કરવું જોઇએ.

આ પ્રજાલક્ષી અભિગમને કારણે ભાવનગર રાજયના તે સમયના રાજવીઓને પ્રતિષ્‍ઠા પ્રાપ્‍ત થઇ હતી અને જનસમૂહને આદર્શ શાસન વ્‍યવસ્‍થાનો અનુભવ થયો હતો. સર પટ્ટણીની સંવેદનશીલતાના અનેક પ્રસંગો છે. પરંતુ પાંચપીપળના કરજભારણથી દબાયેલા, ભાંગી પડેલા ગરીબ ખેડૂત પ્રત્‍યે સર પટ્ટણીએ દાખવેલી સહાનુભૂતિનો પ્રસંગ ખૂબજ ઉજવળ તથા અનુકરણ કરવાપાત્ર છે. તેમણે લખેલી નીચેની પંક્તિઓ માત્ર લખવા ખાતર નથી લખી, આ લાગણી તેમણે વાસ્‍તવિક જીવનમાં પોતાના કાર્યોથી પણ કંડારી છે.

 જનમન અંદર પેસી શકીને દુ:ખમાં ભાગિયો થાઉ

બની શકે તો શાંતિ કરું નહિ તો અશ્રુએ એના ન્‍હાઉ

બતાવો ઉપાય કો એવો દુ:ખે બનુ ભાગિયો એવો.

અંતે તો આ ઋષિતુલ્‍ય રાજપુરૂષનું મન આપણાં મધ્‍યયુગના સંતોની સંતવાણીથી તરબતર થયેલું હતું. જીવનના સંધ્‍યાકાળે તેઓ આરામ કરવાને બદલે નાદુરસ્‍ત તબીયત હોવા છતાં ગામડાઓનો પ્રવાસ લોકોના પ્રશ્નો સમજવા તથા ઉકેલવા કરતા હતા. આ સમયે તેઓએ નાના એવા ઝાંઝમેર ગામની મુલાકાત લીધી. ઝાંઝમેરની શાળાના દાંડિયારાસના કાર્યક્રમમાં ‘મેરૂ તો ડગે પણ જેના મન નવ ડગે’ એ ગંગાસતીનું ભજન સાંભળી પોતાની અંતરની પ્રસન્‍નતા વ્‍યકત કરી. આ પદ ઉપર ત્‍યાંજ તેમણે સુંદર વિવેચન કર્યુ. તેમણે ભારપૂર્વક કહયું કે આ સંતવાણીના શબ્‍દો બરાબર સમજવા જરૂરી છે. તેમણે ઉમેર્યુ કે સમાજમાં વ્‍યાપકપણે આ ભજનની વિભાવના ઝીલાય તો જરૂર સ્‍વસ્‍થ સમાજનું નિર્માણ થઇ શકે. શિક્ષકોને સમજાવ્‍યું કે આવી ભજનવાણીથી વિદ્યાર્થીઓમાં સંસ્‍કારનું સિંચન કરવું જોઇએ.

પુજ્ય મોટાની ઇચ્‍છાના કારણે હરિઓમ આશ્રમની સહાય – પ્રોત્‍સાહનથી તેમજ પોતાના દરેકે દરેક લખાણમાં સંપૂર્ણ ચીવટ તથા કાળજી રાખનાર શ્રી પિયુષ પારાશર્યને કારણે આપણાં સુધી પટ્ટણી સાહેબની વાતો ગ્રંથ સ્‍વરૂપે પહોંચી શકી છે તેથી આપણે હરિઓમ આશ્રમ તથા પિયુશભાઇના રુણી છીએ. સર પટ્ટણીનું જીવન જાહેર વહીવટ સાથે સંબંધ ધરાવતા તમામ લોકો માટે દીવાદાંડી સમાન છે. તે તરફ દ્રષ્‍ટિ રાખીને વહીવટ ચલાવવાનો પ્રયત્‍ન કરીશું તો એ ચોકકસ લોક કલ્‍યાણલક્ષી વહીવટ પુરવાર થશે તેમ કહી શકાય. યુગો સુધી પટ્ટણી સાહેબનું નામ તથા તેમનું કામ પથદર્શક બની રહેશે તે બાબત નિસંદેહ છે.

Leave a comment

Create a free website or blog at WordPress.com.

Up ↑