સર પ્રભાશંકર પટ્ટણી : નાણાંકીય બાબતોના કૂશળ હકીમ.

Image

 

જનમન અંદર પેસી શકીને દુ:ખમાં ભાગિયો થાઉં

બની શકે તો શાંતિ કરૂં નહિ તો અશ્રુએ એના ન્હાઉં

બતાવો ઉપાય કો એવો દુ:ખે બનુ ભાગિયો એવો જનમન માટે કરૂણા તથા સહાનુભૂતિ તો અગાધ સ્ત્રોત જેની નસેનસમાં વહે છે એવા ભાવનગર રાજ્યના પુણ્યશ્લોક દિવાન સર પટ્ટણીએ ઉપરના થોડા શબ્દોની પંક્તિઓના માધ્યમથી પોતાના દિલના ભાવ સબળ રીતે પ્રગટ કર્યા છે. ગુજરાત રાજ્યની સ્થાપનાના પાંચ દાયકા પછી આજે પણ લોકહિતને પ્રાધાન્ય આપીને જ વહીવટની તમામ વ્યવસ્થાઓ ગોઠવવા માટે ભાવનગરના પુણ્યશ્લોક મહારાજા કૃષ્ણકુમારસિંહજી તથા તે રાજ્યના જ સમર્થ દિવાન સર પ્રભાશંકર પટ્ટણીને આપણે આદર સાથે યાદ કરીએ છીએ. રાજ્યના તમામ નિર્ણયોમાં માનવીય અભિગમ સ્પષ્ટ દેખાતો હોવાથી ગાંધીજી પણ ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીથી પ્રભાવિત થયા હતા.

 

જે સમયમાં રાજા-મહારાજાએ ઉચ્ચારેલો શબ્દ એ જ કાયદો મનાતો હોય અને રાજ્યનો સામાન્યમાં સામાન્ય કર્મચારી પણ સમાજ પર પોતાની સત્તાનો પ્રભાવ પાડી શકતો હોય ત્યારે ભાવનગર જેવા એક મોટા રાજ્યના દિવાન જગત નિયંતાની પ્રસન્નત્તા રહે તે પ્રકારે પોતાનો જીવનક્રમ તથા કાર્ય પ્રણાલી ગોઠવે તે અત્યંત સુખદ અને આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે. કાળના અવિરત વહેતા પ્રવાહમાં સૌ કોઇ તણાઇ જાય-વિસરાઇ જાય ત્યારે સર પટ્ટણી જેવા યુગપુરૂષ તેમના વાણી-વર્તન તથા કાર્યો દ્વારા યુગો સુધી સમાજ માટે, રાજ્યકર્તાઓ માટે પ્રેરણાના સ્થાન સમાન બની રહે છે.

 

વિદ્વાન ચરિત્રકાર શ્રી મુકુંદરાય પારાશર્યના આપણે ઋણી છી કે તેમની ધારદાર કલમે આલેખાયેલા પટ્ટણી સાહેબના પ્રસંગો આજે પણ માર્ગદર્શક બની રહે તેવા છે. કેળવણી-ન્યાય-શાસન પદ્ધતિ તેમજ પ્રમાણમાં મુશ્કેલ તથા ગુંચવણભરી રાજ્યની નાણાંકીય બાબતોને તેમણે કૂશળતાથી સંભાળી હતી. સર પટ્ટણીનું જીવન પ્રેરણાના અખૂટ સ્ત્રોત સમાન છે.

 

સર પટ્ટણી પોતે પોતાનું કોઇ ચરિત્ર આલેખન થાય તેવા મતના ન હતા તેવી બાબતોના કોઇ પ્રયાસ થાય તો તેઓ તેની વિરુદ્ધ હતા. ગુજરાતમાં જે કેટલાક સંતો થયા કે જેમણે લોકહિતાર્થે પોતાનું સમગ્ર જીવન વ્યતિત કર્યું. તેમાંના એક શિરમોર સમા સંત પૂજ્ય મોટા હતા. શિક્ષણન ક્ષેત્રમાં ઘણી સંસ્થાઓ એકઠી થઇને પણ ન કરી શકે તેવું પાયાનું કામ પૂ. સંત શ્રી મોટાએ કર્યું તે સુવિદિત છે. પૂ. મોટાની હંમેશા એવી લાગણી હતી કે પટ્ટણી સાહેબના કર્મઠ જીવનનું ચરિત્ર લખાવું જોઇએ કે જેથી આવનારી પેઢીઓને માટે આ ચરિત્ર એક પ્રેરણાના સ્ત્રોત સમાન બની રહે. પૂ. મોટાનો આગ્રહ પણ શ્રી મુકુંદ પારાશર્ય માટે આ ચરિત્ર લખવામાં એક ચાલક બળ સમાન પુરવાર થયો.

 

સર પટ્ટણીએ ભાવનગર જેવા મોટા રાજ્યના દિવાન તરીકે અનેક વિષયોમાં નોંધપાત્ર કામગીરી કરી પરંતુ રાજ્યની નાણાંકીય સ્થિતિને સ્થિર તથા મજબૂત કરવાનું તેમનું કાર્ય કોઇ કાળે વિસરી ન શકાય તેવું છે. વિશ્વમાં આજે પણ પ્રમાણમાં સમૃદ્ધ-સુખી કહેવાતો દેશ હોય ત્યાં પણ જો રાજ્યની નાણાંકીય સ્થિતિ ડામાડોળ થાય તો તેની ગંભીર અસરો માત્ર આર્થિક બાબતોમાં જ નહિં પરંતુ સામાજિક બાબતોમાં પણ થાય છે. પ્રવર્તમાન કાળમાં ઘણાં દેશોના વિશેષ કરીને યુવાનોમાં પ્રસંગોપાત દેખાતા અજંપા અકળામણ કે આક્રોશના કારણોની બારીક ચકાસણી કરીએ તો તેમાં કોઇને કોઇ સ્વરૂપે આર્થિક કારણો હોય છે જ. કેટલાયે રાજ્યોના સત્તા પલટાઓમાં ઘણી વખત આર્થિક મોરચે શાસકોની નિષ્ફળતા કે બેદરકારી મૂળમાં જોવા મળે છે. આ બધી એવી શાસ્વત બાબતો છે કે તે હંમેશા મહત્વની રહે છે અને વિશ્વના કોઇપણ હિસ્સા માટે લગભગ સમાન ધોરણે લાગુ પડે છે. આથી જ્યારે આજથી લગભગ ૧૧૦ વર્ષ પહેલા કોઇ દેશી રજવાડાના દિવાન નિષ્ણાત તબીબની જેમ રાજ્યને મૌલિક ઉપાયોથી આ આર્થિક મંદવાડમાંથી ઉગારે અને નાણાંકીય સ્થિરતા-સદ્ધરતાનું દર્શન કરાવે ત્યારે આવા હકીમને સલામ કરવાનું મન જરૂર થાય. ઉપલબ્ધ વિગતો અનુસાર ૧૯૦૨ માં સર પટ્ટણી ભાવનગર રાજ્યના દિવાનની જવાબદારી સંભાળે છે અને તેમની સૌથી પ્રથમ અગ્રતા રાજ્યની નાણાંકીય બાબતો તરફ રહે છે. દિવાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ માત્ર બે જ મહિનાના ટૂંકા ગાળામાં “ભાવનગર દરબાર સેવીંગ્ઝ બેંક” સ્થાપના કરવામાં આવે છે. પટ્ટણી સાહેબના વિચક્ષણ કૂનેહ અને ભાવનગર રાજ્યના વહીવટની આંતરિક શક્તિના બળ ઉપર એક દિર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયથી ભાવનગર રાજ્ય તેના પર વીસ લાખનું દેવું હતું તે ધ્યાનમાં રાખીને વીસ લાખ રૂપિયાના બોન્ડ બહાર પાડે છે. મહારાજા ભાવસિંહજી પાછળથી એક સમારંભમાં પટ્ટણી સાહેબની કાર્યપદ્ધતિ તથા નિર્ણય શક્તિને બિરદાવતા કહે છે કે સામાન્ય રીતે દેશી રાજ્યોની એવી આર્થિક શાખ હોતી નથી કે રાજ્યે બજારમાં મૂકેલી લોન-બોન્ડ બજારમાં ઉપડે. પરંતુ આપણાં રાજ્યની એકંદર સ્થિતિ તથા સર પટ્ટણી જેવા વહીવટદારની હાજરીથી હિન્દુસ્તાનમાં આપણી વિશ્વસનિયતા પ્રસ્થાપિત થઇ છે. આથી આ લોન ઓવર-સબસ્ક્રાઇબ થઇ ! પછી મહારાજા ભાવસિંહજી ઉમેરે છે કે શ્રી પટ્ટણી આ સ્થિતિ માટે જવાબદાર છે, યશના અધિકારી છે. તે વાત કહેવામાં ભાવનગર રાજ્યના પ્રજાજનો આનંદ અનુભવે છે પણ હું તો તેને મગરૂખી માનું છું ! કોઇ મહારાજાએ તેના દિવાનને આપેલી આવી ભવ્ય ભાવઅંજલી એ પણ ઇતિહાસની એક વિશિષ્ટ ઘટના છે, દુષ્કાળ સહિતના અનેક કારણોસર કથળેલી રાજ્યની આર્થિક સ્થિતિને ગણતરીના વર્ષોમાં જ સંતોષકારક કક્ષાએ મૂકવાનું સર પટ્ટણીનું સામર્થ્ય આજે પણ વહીવટકર્તાઓ માટે બંદરોનું યોગદાન નોંધપાત્ર રીતે સ્વીકારે છે ત્યારે આજ હકિકત ૧૦૦ વર્ષ પહેલા સર પટ્ટણીને બરાબર સમજાઇ હતી. ભાવનગર રાજ્યને બ્રિટીશ શાસન પાસેથી બંદરીય વેપારના હક્કો મેળવી આપવાનો તેમણે કરેલો અવિરત સંઘર્ષ ઇતિહાસની એક ગૌરવપૂર્ણ ગાથા છે.

 

પટ્ટણી સાહેબની અંગત સૂઝ અને આવડતની ત્યારબાદ આર્થિક સુધારાઓના અનેક સુઆયોજીત પ્રયાસોથી રાજ્યને ‘સરપ્લસ’ સ્થિતિમાં મૂક્યું અને સરવાળે જ્યારે સ્વતંત્ર ભારતને સ્વેચ્છાએ ભાવનગર રાજ્યની મોંઘેરી સોગાદ પુણ્યશ્લોક મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અર્પણ કરી ત્યારે ભાવનગર રાજ્યે રૂપિયા અઢાર કરોડની સિલક બતાવી અને આ નોંધપાત્ર નાણાંકીય યોગદાન સૌરાષ્ટ્ર રાજ્યને વહીવટ ચલાવવામાં ઉપયોગી બન્યું. ભાવનગર રાજ્યમાં વહીવટની ઉજળી પ્રણાલિકાઓ જે પટ્ટણી સાહેબે સહજ રીતે જ સ્થાપી તે સમયના કોઇપણ કાળે વહીવટકર્તાઓને ઉપયોગી-માર્ગદર્શક બને તેવી શાસ્વત છે

*****

Leave a comment

Blog at WordPress.com.

Up ↑